છત્તીસગઢના ઈતિહાસમાં ભાજપની આ સૌથી મોટી જીત કેમ છે? સમજો
રવિવાર, 3 ડિસેમ્બર 2023 (23:11 IST)
છત્તીસગઢની રચના બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) આ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પોતાની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહી છે. રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપે 54 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જો આ લીડ પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે 2000 માં રાજ્યની રચના પછી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સૌથી મોટી જીત હશે. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ સમાચાર લખાય છે ત્યાં સુધી ભાજપ 54 સીટો પર અને કોંગ્રેસ 36 સીટો પર આગળ ચાલી રહી છે.
આ આંકડાઓ સાક્ષી આપી રહયા છે
ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ટ્રેન્ડમાં ભાજપને 46.36 ટકા, કોંગ્રેસને 42.14 ટકા, બહુજન સમાજ પાર્ટી (BSP)ને 2.10 ટકા અને અન્યને 5.46 ટકા વોટ મળ્યા છે.
છત્તીસગઢમાં 2003માં પ્રથમ વખત યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 50 બેઠકો મળી હતી અને તેને 39.26 ટકા મત મળ્યા હતા. પાર્ટીને 2008માં 50 સીટ અને 40.33 ટકા વોટ, 2013માં 49 સીટ અને 41.04 ટકા વોટ અને 2018માં 15 સીટો અને 32.97 ટકા વોટ મળ્યા હતા.
એ જ રીતે કોંગ્રેસને 2003માં 37 બેઠકો અને 36.71 ટકા મત, 2008માં 38 બેઠકો અને 38.63 ટકા મત, 2013માં 39 બેઠકો અને 40.29 ટકા મત અને 2018માં 68 બેઠકો અને 43.04 ટકા મતો મળ્યા હતા. રાજ્યમાં, BSPએ આ વિધાનસભા ચૂંટણીમાં ગોંડવાના ગણતંત્ર પાર્ટી (GGP) સાથે ગઠબંધન કર્યું હતું.
છત્તીસગઢમાં BSPને 2003માં બે સીટ અને 4.45 ટકા વોટ, 2008માં બે સીટ અને 6.11 ટકા વોટ, 2013માં એક સીટ અને 4.27 ટકા વોટ અને 2018માં બે સીટ અને 3.87 ટકા વોટ મળ્યા હતા. જીજીપીએ અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પોતાનું નસીબ અજમાવ્યું છે, પરંતુ તે તમામમાં હાર્યું છે.
ચૂંટણીના થોડા મહિના પહેલા ભાજપને મળી સંજીવની
2018ની વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પરિણામોથી દુઃખી થયેલો, ભાજપ આ ચૂંટણીના એક વર્ષ પહેલા લગભગ વિખેરાઈ ગયેલો દેખાતો હતો અને વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સંસ્થાઓમાં મળેલી હારથી પાર્ટી વધુ નિરાશ થઈ ગઈ હતી. પરંતુ ચૂંટણીના થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અવારનવાર મુલાકાતોએ અહીં ભાજપને જીવ આપ્યો હતો. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ એવું લાગી રહ્યું હતું કે ભાજપનો પ્રચાર મુખ્યત્વે કેન્દ્ર સરકારની યોજનાઓ અને વડાપ્રધાન મોદીની છબી પર આધારિત છે.
ભાજપે મોદીના ચહેરા પર લડી હતી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને સામે રાખીને ચૂંટણી લડી છે, જેનો ફાયદો પાર્ટીને થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સરકાર પર આક્રમક બનેલા વડાપ્રધાને ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડ અને અન્ય કથિત કૌભાંડોને લઈને ભૂપેશ બઘેલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના વચનો સામે જનતા સમક્ષ પોતાની 'ગેરંટી' મૂકી અને કહ્યું કે "મોદીની ગેરંટી એટલે વચનો પૂરા કરવાની ગેરંટી".