વિનોદ ખન્નાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનમાં જન્મના ત્રણ વર્ષમાં જ ભારતના ભાગલા થતા વિનોદ ખન્નાનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એમણે કોલેજનું ભણતર દિલ્હીમાં પૂરું કર્યું હતું. 1968માં મન કા મીત ફિલ્મમાં વિલનનાં રોલ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એમણે પૂરબ ઔર પશ્ચિમ, સચ્ચા જૂઠા, આન મિલો સજના, મસ્તાના, મેરા ગાંવ મેરા દેશમાં ખલનાયકની ભૂમિકા કરી હતી. ત્યારબાદ અચાનક, ફરેબી, કૈદ, ઈનકારમાં હીરો તરીકે કામ કર્યું હતું. કુરબાની, શંકર શંભુ, ચોર સિપાહી, હેરા ફેરી, ખૂન પસીના, અમર અકબર એન્થની, મુકદ્દર કા સિકંદર જેવી ફિ્લ્મોમાં એમનાં અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં એ વોન્ટેડ, દબંગ, દબંગ 2, દિલવાલેમાં પણ ચમક્યા હતા.