બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સાચો સમય કયો છે?

સોમવાર, 8 એપ્રિલ 2019 (13:26 IST)
શું આપણે બૉડી-ક્લૉક પ્રમાણે યોગ્ય સમયે ખાવાનું ખાઈએ છીએ? જો ખાવાની આદતોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે કે વજન ઘટી શકે? આ પ્રશ્નોના જવાબો તમે પણ શોધતા હશો.
 
આજે તમે નાસ્તામાં શું ખાધું? શક્ય છે કે તમે નાસ્તામાં ભારે ખોરાક નહીં ખાધો હોય, જેવો કે તમે રાતે ખાવ છો. પરંતુ ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે દિવસની શરૂઆતમાં વધારે કૅલરીવાળો ખોરાક લેવાથી અને ખાવાનો સમય વહેલો કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.
 
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા ઇચ્છતી મહિલાઓ જો વહેલા લંચ કરે તો વજન વધારે ઘટે છે. એક અન્ય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે નાસ્તો મોડો કરવાથી બૉડી માસ ઇન્ડેક્સ(બીએમઆઇ) વધી જાય છે.
 
કિંગ્સ કૉલેજ લંડનમાં ન્યુટ્રિશનલ સાયન્સના ગેસ્ટ પ્રોફેસર ડૉક્ટર ગેરડા પોટ કહે છે, '"એક ખૂબ જ જૂની કહેવત છે. રાજાની જેમ નાસ્તો કરો. રાજકુમારની જેમ લંચ કરો અને કંગાળ જેવું ડિનર કરો. મને લાગે છે કે આ કહેવત ઘણા અંશે સાચી છે."
 
હવે વૈજ્ઞાનિકો જમવાના સમય અને બૉડી-ક્લૉક વચ્ચેના સંબંધ અંગે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તમે ક્યારે-ક્યારે ખાવ છો?
 
આપણને એમ લાગે છે કે આપણું બૉડી-ક્લૉક માત્ર આપણી ઊંઘ સાથે જ સંકળાયેલું છે. પરંતુ વાસ્તવમાં આપણા શરીરની દરેક કોશિકાની પોતાની જૈવિક ઘડિયાળ હોય છે.
 
જે આપણા રોજિંદા કામને નિશ્ચિત કરે છે. જેમ કે સવારે ઊઠવું, બ્લડપ્રેશરને યોગ્ય રાખવું, શરીરના તાપમાન અને હૉર્મોનના સ્તરને નિયમિત કરવા વગેરે.
 
હવે વિદ્વાનો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અનિયમિત કે રાતે મોડા ખાવાની અસર શરીર પર કેવી થાય છે?
 
બૉડી-ક્લૉક પર સંશોધન કરી રહેલા ડૉ. પોટ કહે છે, ''આપણા શરીરની એક જૈવિક ઘડિયાળ હોય છે. જે શરીરની બધી જ ચયાપચયની પ્રક્રિયા યોગ્ય સમયે થાય છે કે નહીં તેનું ધ્યાન રાખે છે.''
 
''તેનાથી ખબર પડે છે કે રાતે વધારે ભોજન કરવું એ પાચનની દૃષ્ટિએ યોગ્ય નથી, કેમ કે તે સમયે શરીર સૂવાની તૈયારીઓ કરતું હોય છે.''
 
વધુમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડૉ. જોનાથન જૉન્સટન કહે છે, ''સંશોધનથી ખ્યાલ આવે છે કે આપણું શરીર રાતના સમયે યોગ્ય રીતે પાચન કરી શકતું નથી. પરંતુ આવું શા માટે થાય છે તે અંગેની માહિતી હજુ મળી નથી.''
 
એક થિયરી એ પણ છે કે આ બાબત શરીરની ઊર્જાના વપરાશ સાથે જોડાયેલી છે.
 
''શરૂઆતનાં તારણો એ દર્શાવે છે કે ભોજનનાં પાચન માટે સાંજની સરખામણીએ સવારે ઊર્જાનો વપરાશ વધુ હોય છે.'
શિફ્ટોમાં કામ કરવાની અસર
 
ડૉ. જૉન્સટન કહે છે કે આપણે ક્યારે ખાઈએ છીએ અને તેની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે જાણવું જરૂરી છે, કેમ કે તે સ્થૂળતા સાથે પણ જોડાયેલું છે.
 
તેઓ કહે છે, "જો અમારે કોઈ સલાહ આપવી હોય તો અમે કહીશું કે તમે જે ખાવ છો તેમાં ફેરફાર ન લાવો, પરંતુ માત્ર ખાવાનો સમય બદલવાથી સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ સુધારો આવી શકે છે.''
 
તે સિવાય અલગ-અલગ શિફ્ટમાં કામ કરવાના કારણે જેમનું બૉડી-ક્લૉક અસંતુલિત રહે તેમના પર પણ આ અસર જણાય છે. એક અનુમાન પ્રમાણે આશરે 20 ટકા લોકો શિફ્ટ પ્રમાણે કામ કરે છે.
 
કયા સમયે કેટલું ભોજન ખાવું?
 
ડૉ. પોટ અને ડૉ. જૉન્સટન બન્ને સ્વીકારે છે કે આપણે દિવસની શરૂઆતમાં વધારે કૅલરીવાળું ભોજન ખાવું જોઈએ અને લંચના સમયે સંપૂર્ણ આહાર લેવો જોઈએ.
 
જોકે, ક્રોનો ન્યુટ્રિશનના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા પ્રોફેસર એલેક્ઝેંડ્રા આ બાબત અંગે થોડા સતર્ક છે.
 
તેઓ જણાવે છે કે કેટલાંક સંશોધન પ્રમાણે વહેલા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ તેઓ ખાતરી કરવા ઇચ્છુક છે.
 
તેમને આશા છે કે આ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનો દ્વારા સ્પષ્ટ જાણકારીઓ મળશે અને પછી લોકોને યોગ્ય સલાહ આપી શકાશે કે ક્યારે શું ખાવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર