CCDના માલિક વી. જી. સિદ્ધાર્થ ગુમ, કૉફીના ખેતરોમાંથી કાફેનું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું?

મંગળવાર, 30 જુલાઈ 2019 (11:37 IST)
ભારતમાં પૉપ્યુલર ચેઇન કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થ લાપતા થયા છે. સોમવાર સાંજથી તેમનો સંપર્ક કરી શકાયો નથી.
હાલ પોલીસ તેમને શોધી રહી છે અને તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઑફ છે.
સિદ્ધાર્થ ભારતના પૂર્વ વિદેશ મંત્રી અને હાલ ભાજપના નેતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ છે.
લગભગ પાંચ દાયકા સુધી કૉંગ્રેસમાં રહ્યા બાદ કૃષ્ણા ભાજપમાં જોડાયા હતા.
આપણામાંથી અનેક લોકોએ કાફે કૉફી ડે(CCD)ની મુલાકાત લીધી હશે પરંતુ શું આપણે ભારતમાં પૉપ્યુલર થયેલી આ બ્રાન્ડનો ઇતિહાસ જાણીએ છીએ?
 
આવી રીતે CCDની શરૂઆત થઈ
વર્ષ 1996માં 37 વર્ષના યુવાન સિદ્ધાર્થ કાફેના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કરે છે.
11, જુલાઈ 1996ના રોજ 1.5 કરોડના ખર્ચે બેંગલૂરુના પૉશ વિસ્તાર ગણાતા બ્રિજ રોડ પર પોતાનું પ્રથમ કાફે ખોલે છે.
બે દાયકા પહેલાં બેંગલૂરુથી શરૂ થયેલું આ સાહસ હાલ દેશના 198 શહેરોમાં ફેલાઈ ગયું છે.
એક કાફેથી શરૂ થયેલી કંપની પાસે હાલ ભારતમાં લગભગ 1500થી પણ વધારે કાફે છે.
ઑસ્ટ્રીયા, ચેક રિપબ્લીક અને મલેશિયા જેવા દેશોમાં પણ CCDની શાખાઓ આવેલી છે.
શરૂઆતના ગાળાથી જ કાફે કૉફી ડે યુવાનોમાં સૌથી વધારે લોકપ્રિય બની ગયું હતું.
એક મૂર્ખાઈ આ રીતે બની ગઈ 1.2 અબજ પાઉન્ડનો બિઝનેસ
 
કૉમ્યુનિસ્ટ બનવા માગતા સિદ્ધાર્થ બિઝનેસમૅન બની ગયા
1979માં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા વી. જી. સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં આવવાનું વિચાર્યું ન હતું.
તેમણે ફૉર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કાર્લ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા.
માર્ક્સના વિચારોને કારણે તેઓ બિઝનેસમાં આવવાને બદલે કૉમ્યુનિસ્ટ નેતા બનવાનાં સપનાં જોઈ રહ્યા હતા.
સિદ્ધાર્થે તે બાદ જે. એમ. ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમૅન્ટ કન્સલટન્સીમાં ઍનલિસ્ટની નોકરી શરૂ કરી હતી.
કૉફી તેમના લોહીમાં વહેતી હતી, કારણ કે તેમનો પરિવાર 1870થી કૉફીની ખેતી કરતો હતો.
જોકે, 1956માં તેમનો પરિવાર અલગ થયો અને સિદ્ધાર્થના પિતાને તેમના ભાગના રૂપિયા અને મિલકત આપી દેવામાં આવી.
જે બાદ તેમના પિતાએ કર્ણાટકના ચિકમગલુરમાં 479 એકરમાં આવેલો એક કોફીનો બગીચો ખરીદી લીધો.
જ્યારે તેમના અન્ય મિત્રો આગળ ભણવા માટે અમેરિકા જવા લાગ્યા ત્યારે સિદ્ધાર્થે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું.
બેંગલૂરુથી તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક કંપનીમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યું.
1983થી 1985 સુધી મુંબઈમાં સ્ટૉકબ્રોકર તરીકે કામ કર્યા બાદ તેઓ બેંગલૂરુ પરત ફર્યા હતા.
 
શરૂઆતના વેપારમાં સફળતા
બેંગલૂરુ પરત આવ્યા બાદ તેઓ પરિવારના કૉફીના બગીચાના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
આ વેપારમાં તેમને એટલી સફળતા મળી કે તેમણે 3,500 એકરના કૉફીના બગીચા ખરીદ્યા.
ફોર્બ્સના એક અહેવાલ અનુસાર તેમણે 1992માં સ્ટૉક-માર્કેટમાં કામ કરવાનું બંધ કરી દીધું.
ગુજરાતી હર્ષદ મહેતા જ્યારે શેરબજારના કૌભાંડ મામલે સમાચારોમાં ચમક્યા તેના થોડા દિવસો પહેલાં સિદ્ધાર્થે પોતાના બધા સ્ટૉક્સ વેંચી દીધા હતા.
જે બાદ તેમણે સંપૂર્ણ રીતે પોતાનું ધ્યાન કૉફીના વ્યવસાયમાં કેન્દ્રીત કર્યું અને તેઓ દેશના સૌથી મોટા કૉફી નિકાસકર્તા બની ગયા.
 
અંતે કૉફીમાંથી કાફે તરફ
કૉફીના વેપારમાં સફળતા મળ્યા બાદ અંતે 1996માં સિદ્ધાર્થે કાફેના બિઝનેસમાં ઝંપલાવ્યું.
બેંગલૂરુમાં તેમણે શરૂ કરેલું પ્રથમ કાફે 2,000 સ્કેવર ફૂટની જગ્યામાં હતું. એ સમયે તેમના આ કાફેમાં IBMનું કમ્યૂટર હતું, જેનો લોકો ઉપયોગ કરી શકતા હતા.
2001 સુધીમાં બેંગલૂરુમાં જ CCDનાં 18 આઉટલેટ હતાં. જે બાદ તેમણે દેશભરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાનો શરૂ કર્યો હતો.
CCDની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે હાલ કંપની પાસે 1482 કાફે અને 530 વૅલ્યૂ એક્સપ્રેસ આઉટલેટ છે.
ચિંકમગલુરમાં આવેલા 10,000 એકરના કૉફીના વિશાળ બગીચામાંથી કૉફીનાં બિન્સ બને છે અને તેને ત્યાં જ રોસ્ટેડ અને પૅક કરવામાં આવે છે.
જે બાદ આ તૈયાર થયેલાં પૅકિંગ સેન્ટ્રલ અને રિજનલ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરો પર મોકલવામાં આવે છે, જે શહેરોમાં પહોંચે છે.
શહેરોમાંથી કંપનીના કાફે પર અને ત્યારબાદ આપણા કપમાં તેની ખૂશ્બુદાર કૉફી પહોંચે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર