રાહુલ ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદીને માત્ર નફરત ફેલાવતા આવડે છે'
મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (13:32 IST)
દિલ્હીના રાજઘાટ ખાતે કૉંગ્રેસ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને સંબોધતાં કહ્યું, "તમે રોજગારી આપી ન શક્યા, તમે અર્થતંત્રને ચલાવી ન શક્યા એટલે જ નફરતની પાછળ છુપાઈ રહ્યા છો."
"એટલે જ તમે દેશને વહેંચવાની કોશિશ કરી રહ્યા છો. નરેન્દ્ર મોદીને માત્ર નફરત ફેલાવતા આવડે છે."
હેમંત સોરેન, જેમની સામે શાહની નીતિ વામણી સાબિત થઈ
રાહુલ ગાંધી શું બોલ્યા?
રાહુલ ગાંધીએ કહ્યું, "દેશ પોતે એક અવાજ હોય છે. આ અવાજ અંગ્રેજો સામે લડ્યો અને આ અવાજથી અંગ્રેજો ભાગ્યા."
"આ અવાજે જ ભારતીય અર્થતંત્રને ઊભું કર્યું. આ અવાજે કરોડો યુવાનોની રોજગારી આપી. આ અવાજ વગર હિંદુસ્તાન રહેશે નહીં."
"દેશના દુશ્મનોએ આ અવાજને દબાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, દેશની ઉન્નતિને તોડવાનો પ્રયાસ કર્યો. દેશના દુશ્મનો જે ના કરી શક્યા એ કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે."
સીએએ વિરુદ્ધનાં પ્રદર્શનો પર પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગની વાતને ટાંકતાં તેમણે કહ્યું, "દેશના અવાજને શાંત કરવાનો તેમનો પ્રયાસ કર્યો."
"જ્યારે નરેન્દ્ર મોદી ન્યાયતંત્ર પર દબાણ કરે છે ત્યારે તેઓ દેશના અવાજ પર ઘાત કરે છે."
"જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠી-ગોળી ચલાવવામાં આવે છે ત્યારે દેશના અવાજને શાંત કરવાની કોશિશ કરવામાં આવે છે."
"નરેન્દ્ર મોદીને ભ્રમ છે કે તેઓ કૉંગ્રેસ સામે લડી રહ્યા છે પણ તેઓ કૉંગ્રેસ સામે નહીં દેશના અવાજ સામે લડી રહ્યા છે. આ કૉંગ્રેસનો નહીં ભારત માતાનો અવાજ છે."
નરેન્દ્ર મોદીના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યું, "જ્યાં સુધી કપડાંની વાત છે નરેન્દ્ર મોદીજી આખો દેશ તમને તમારાં કપડાંથી ઓળખે છે. બે કરોડ રૂપિયાનો સૂટ હિંદુસ્તાનની જનતાએ નહોતો પહેર્યો તમે પહેર્યો હતો."
"તમે દેશને જણાવો કે વૃદ્ધિદર નવ ટકા હતો અને હવે ચાર ટકા થઈ ગયો છે. વિદ્યાર્થી અને યુવાનોને જણાવો કે તેમને રોજગારી કેમ નથી મળી રહી."
"દરેક ધર્મની વ્યક્તિનો અવાજ બંધારણમાં છે, એની પર હુમલો કરશો તો જનતા સાંખી નહીં લે."