Lal Krishna Advani birthday- પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે હું : લાલકૃષ્ણ અડવાણી

સોમવાર, 8 નવેમ્બર 2021 (11:17 IST)
પૂર્વ વડા પ્રધાન અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ આખરે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં મૌન તોડ્યું છે.  પક્ષની સ્થાપના દિવસના બે દિવસ પહેલાં મૌન તોડવા માટે તેમણે પોતાના પરિચિત અંદાજમાં કોઈ ભાષણ તો ના આપ્યું, પરંતુ પોતાની વાત કહેવા માટે બ્લૉગનો સહારો લીધો.
 
પાંચસોથી વધારે શબ્દોમાં અંગ્રેજીમાં લખેલા બ્લૉગની હેડલાઇન છે, 'નેશન ફર્સ્ટ, પાર્ટી નેકસ્ટ, સેલ્ફ લાસ્ટ' (એટલે- પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે ખુદ).
 
અડવાણીની પરંપરાગત સંસદીય બેઠક ગાંધીનગર પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉમેદવાર બન્યા છે.
 
અમિત શાહની ઉમેદવારી બાદ અડવાણીએ પ્રથમવાર કોઈ સાર્વજનિક ટિપ્પણી કરી છે.
 
આ બ્લૉગ પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરીને લખવામાં આવ્યો છે અને છ એપ્રિલે પક્ષના સ્થાપના દિવસના બે દિવસ પહેલાં લખવામાં આવ્યો છે.
 
અડવાણીએ લખ્યું છે... 
 
આ ભાજપમાં આપણા બધા માટે એક મહત્ત્વપૂર્ણ તક છે, આપણા ભૂતકાળ તરફ જોવાની, ભવિષ્ય તરફ અને પોતાની ભીતર જોવાની. ભાજપના સંસ્થાપકોમાંના એક તરીકે હું માનું છું કે આ મારું કર્તવ્ય છે કે ભારતના લોકો સાથે મારા પ્રતિભાવો રજૂ કરું, ખાસ કરીને મારા લાખો કાર્યકર્તાઓ સાથે. આ બંનેના સન્માન અને સ્નેહનો હું ઋણી છું.
 
મારા વિચારો રજૂ કરતા પહેલાં, હું ગાંધીનગરના લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. જેમણે 1991 બાદથી મને છ વખત લોકસભા માટે ચૂંટણી જીતાડી હતી. તેમના પ્યાર અને સમર્થને મને હંમેશાં અભિભૂત કર્યો છે.
 
માતૃભૂમિની સેવા કરવી ત્યારથી મારાં ઝનૂન અને મિશન રહ્યાં છે, જ્યારે 14 વર્ષની ઉંમરથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો હતો.
 
મારું રાજકીય જીવન લગભગ સાત દાયકાથી મારા પક્ષની સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું રહ્યું છું - પ્રથમ ભારતીય જનસંઘ સાથે અને બાદમાં ભારતીય જનતા પક્ષ સાથે.
 
હું બંને પક્ષોના સંસ્થાપક સભ્યોમાં રહ્યો હતો. પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અન્ય ઘણા મહાન, નિસ્વાર્થ અને પ્રેરણાદાયક નેતાઓ સાથે મળીને કામ કરવાનું મારું દુર્લભ સૌભાગ્ય રહ્યું છે.
 
મારા જીવનનો માર્ગદર્શક સિંદ્ધાંત 'પહેલાં દેશ, પછી પક્ષ અને અંતે હું' રહ્યો છે. પરિસ્થિતિ કંઈ પણ હોય, મેં આ સિદ્ધાંતોને પાળવાની કોશિશ કરી છે અને આગળ પણ કરતો રહીશ.
 
ભારતીય લોકતંત્રનો સાર અભિવ્યક્તિનું સન્માન અને તેની વિવિધતા છે. ભાજપે પોતાની સ્થાપના બાદ ક્યારેય પણ અમારા વિચારો સાથે સહમત ના હોય તેને શત્રુ માન્યા નથી, પરંતુ અમે તેમને અમારા સલાહકાર માન્યા છે
 
 
આ રીતે, ભારતીય રાષ્ટ્રવાદની અમારી વ્યાખ્યામાં અમે ક્યારેય પણ તેમને રાષ્ટ્ર વિરોધી કહ્યા નથી, જે રાજકીય રીતે અમારાથી અસહમત હતા.
 
પક્ષ ખાનગી અને રાજકીય સ્તર પર પ્રત્યેક નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને પ્રતિબદ્ધ છે.
 
દેશમાં અને પક્ષની અંદર લોકતંત્ર અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા ભારત માટે એક ગર્વની વાત રહી છે. એટલે ભાજપ હંમેશાં મીડિયા સહિત અમારા તમામ લોકતાંત્રિક સંસ્થાનોની આઝાદી, અખંડતા, નિષ્પક્ષતા અને મજબૂતીની માગ કરવામાં સૌથી આગળ રહ્યો છે.
 
ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ માટે ચૂંટણીમાં સુધારા, રાજકીય અને ચૂંટણી ફંડમાં પારદર્શિતા પર વિશેષ ધ્યાન દેવું પક્ષ માટે પ્રાથમિકતા રહી છે.
 
સંક્ષિપ્તમાં, સત્ય, રાષ્ટ્ર નિષ્ઠા અને લોકતંત્રએ મારા પક્ષના સંઘર્ષના વિકાસને નિર્દેશિત કર્યો છે. આ તમામ મૂલ્યો મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સુશાશન બને છે, જેના પર મારો પક્ષ હંમેશાં કાયમ રહ્યો છે. ઇમર્જન્સી સામેનો ઐતિહાસિક સંઘર્ષ પણ આ મૂલ્યોને ટકાવી રાખવા માટે હતો.
 
એ મારી ઇમાનદારી સાથેની ઇચ્છા છે કે આપણે બધાએ સામૂહિક રૂપે ભારતના લોકતાંત્રિક શિક્ષણને મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સત્ય એ છે કે ચૂંટણી લોકતંત્રનો તહેવાર છે. જોકે, તે ભારતીય લોકતંત્રના તમામ હિતકારકો-રાજકીય દળો, માસ મીડિયા, ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને સૌથી વધારે મતદાતાઓ માટે ઇમાનદારીથી આત્મનિરીક્ષણનો એક અવસર છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર