વર્ષ 1975માં પ્રથમ વિશ્વ કપ ક્રિકેટ ઈગ્લેંડમાં રમાઈ હતી. સાત જૂનથી 21 જુલાઈ સુધી રમાયેલ આ હરીફાઈમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. આઠ ટીમોને ચાર ચારના બે ગ્રુપમાં મુકવામાં આવી હતી. દરેક ગ્રુપની ટોચની બે ટીમોને સીધા સેમી ફાઈનલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
એ સમયે 60 ઓવરની એક મેચ રહેતી હતી. એ સમયે ખેલાડી ક્રિકેટની પારંપારિક પોશાક જ મતલબ સફેદ કપડા પહેરતા હતા. બધીમેચ દિવસે જ રમાતી હતી. મેચ કુલ 120 ઓવરની રહેતી હતી. તેથી મેચ જલ્દી શરૂ કરવામાં આવતી હતી.
પહેલા ગ્રુપમાં ઈગ્લેંડ. ન્યુઝીલેંડ. ભારત અને ઈસ્ટ આફ્રિકાની ટીમો હતી. તો બીજા ગ્રુપમાં હતા વેસ્ટઈંડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા. આ વિશ્વ કપની એક મેચમાં ભારતના મહાન સુનીલ ગાવસકરે પુરી 60 ઓવરમાં બેટિંગ કરી અને ફક્ત 36 રન બનાવ્યા. પોતાની રમતમાં તેમણે માત્ર એક ચોક્કો માર્યો હતો. મેચ ઈગ્લેંડ વિરુદ્ધ હતી. ઈગ્લેંડના લોર્ડ્સના મેદાન પર પ્રથમ બેટિંગ કરતા 60 ઓવરમાં ચાર વિકેટ પર 334 રન બનાવ્યા હતા. ડેનિસ એમિસે 137 રનની રમત રમી હતી. પણ જવાબમાં ભારતે 60 ઓવરમાં ત્રણ વિકેટ પર 132 રન બનાવ્યા. ગાવસ્કરે 174 બોલનો સામનો કર્યો અને એક ચોક્કાની મદદથી 36 રન બનાવ્યા અને અણનમ રહ્યા. આ જ મેચમાં ફક્ત 59 બોલનો સામનો કરી ગુંડપ્પા વિશ્વનાથે સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. કહેવાય છે કે વનડે ક્રિકેટનો વિરોધ કરવા માટે ગાવસકરે આવી ધીમી રમત રમી હતી. વિશ્વ કપમાં ભારતના કપ્તાન હતા શ્રીનિવાસ વેંકટરાઘવન.
જો કે ઈસ્ટ આફ્રિકા વિરુદ્ધ મેચમાં ભારતે 10 વિકેટથી જીત મેળવી હતી અને આ મેચમાં સુનીલ ગાવસ્કરે 86 બોલ પર અણનમ 65 રનની રમત રમી હતી અને પોતાની રમતમાં નવ ચોક્કા પણ લગાવ્યા. ભારત આ વિશ્વ કપમાં ફક્ત એક મેચ જીતી શક્યુ અને એ પણ ઈસ્ટ આફ્રિકા વિરુદ્ધ. પહેલા ગ્રુપ દ્વારા ઈગ્લેંડ અને ન્યુઝીલેંડની ટીમો સેમી ફાઈનલમાં પહોંચી. તો બીજા ગ્રુપથી તક મળી વેસ્ટ ઈંડિઝ અને ઓસ્ટ્રેલિયાને. પહેલા સેમી ફાઈનલ ઈગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થયુ. જેમા ઓસ્ટ્રેલિયાએ
ચાર વિકેટથી જીત નોંધાવી. ઓછા સ્કોરવાલી આ મેચમાં પહેલા રમતા ઈગ્લેંડની ટીમ ફક્ત 93 રન બનાવીને આઉટ થઈ ગઈ. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે છ વિકેટ ગુમાવી.
બીજી સેમીફાઈનલમાં વેસ્ટ ઈંડિઝની ટીમનો સામનો હતો ન્યુઝીલેંડ સાથે. વેસ્ટઈંડિઝની ટીમને વિશ્વ કપની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી હતી અને તેમણે નિરાશ પણ ન કર્યા. વેસ્ટ ઈંડિઝે પાંચ વિકેટથી જીત મેળવી. પહેલા રમતા ન્યુઝીલેંડે 158 રન બનાવ્યા. વેસ્ટ ઈંડિઝે પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ. કાલીચરણે 72 અને ગ્રીનીઝે 55 રનોની શાનદાર રમત રમી.
ફાઈનલમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વેસ્ટ ઈંડિઝનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થયો. મેચ ખૂબ જ રોમાંચક હતી અને આ ઐતિહાસિક મેચમાં પ્રથમ વિશ્વ કપ જીતવાનુ ગૌરવ વેસ્ટઈંડિઝને મળ્યુ. કપ્તાન ક્લાઈવ લોયડની આગેવાનીમાં ટીમે સારુ પ્રદર્શન કર્યુ અને 17 રનથી જીત મેળવી. વેસ્ટઈંડિઝે ક્લાઈવ લોયડની શાનદાર સદી (102)અને રોહન કન્હાઈના 55 રનોની મદદથી 60 ઓવરમાં આઠ વિકેટ પર 291 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ સારો પડકાર આપ્યો પણ તેની ટીમ 58.4 ઓવરમાં 274 રન બનાવીને આઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેન રન આઉટ થયા.