પ્રાંતવાદ હજી પણ પનપી રહ્યો છે...
ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં પ્રાંતવાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક પનપી રહ્યો હોય એમ લાગ્યા કરે છે. ઉડીને આંખે વળગે એવી એક નિર્વિવાદ હકીકત એ છે કે ચૂંટણીઓ નજીક આવે ત્યારે શાસક અને વિપક્ષના રાજકારણીઓ ઘટનાની ગંભીરતાને સમજ્યા વિના ફક્ત તેમની રાજકીય વ્યૂહરચનાઓને સફળ બનાવવાના એક માત્ર ઉદ્દેશથી ઘટનાને રાજકીય સ્વરૂપ આપી તેના સંદર્ભમાં એકબીજા પર દોષારોપણ કરવાની એકપણ તક જતી કરતા નથી. હદ તો ત્યારે થાય છે જ્યારે તેઓ જાણતા હોય છે કે તેમના દ્વારા જાણે-અજાણે બેજવાબદારીપૂર્વક કરવામાં આવતા નિવેદનો અને ખાસ પ્રયોજન માટે બોલાતા એકે-એક શબ્દ રાજ્યની કાયદો અને શાસન વ્યવસ્થાને ખોરવી નાખવા અને સામાજિક સમરસ્તા અને શાંતિના વાતાવરણના તહસનહસ કરી નાખવા માટે પૂરતા છે આમ છતાં માત્ર ને માત્ર તેમના રાજકીય ઈરાદાઓને પાર પાડવાના આશયથી તેઓ એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરતા રહે છે અને એક રાજનેતાને ન શોભે તેવા નિવેદનો અને ભાષાનો ઉપયોગ કરીને લોકોની ભાવનાઓ ભડકાવવાનું અને આવેગોને ઉશ્કેરવાનું કાર્ય કરતા રહી તેમના રાજકીય રોટલા શેકતા રહે છે.
ગુજરાતમાંથી પરપ્રાંતિયોનું પલાયન...
તાજેતરનો દાખલો ગુજરાતના હિંમતનગરના ઢૂંઢર ગામે ઠાકોર સમાજની એક ૧૪ વર્ષની માસૂમ બાળા પર એક બિનગુજરાતી વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મનો છે. કોઈપણ સભ્ય સમાજ માટે આવી ઘટનાઓ અત્યંત અમાનવીય, નિંદનીય અને ધૃણાસ્પદ ગણવામાં આવે છે જેમાં સરકારનું પહેલું કામ દોષિતોને પકડી તેમની સામે બને એટલી ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરી તેમને કાયદેસર જે કાંઈ દંડ કે શિક્ષા કરવાની થતી હોય તે કરીને તેમને નશ્યત કરવાની છે અને ભોગ બનનારના પરિવારજનોને સરકારે સાંત્વના અને બીજો કોઈ આર્થિક સહયોગ આપવાનો થતો હોય તો તે આપીને તેઓને દિલાસો આપવાની છે જેથી તેઓ આ ઘટનાથી આવી પડેલ માનસિક સંતાપ અને આઘાતમાંથી થોડા બહાર આવી તેમનું જીવન ફરી શરૂ કરી શકે અને તેની સાથે ઘટના સંદર્ભે અન્ય લોકોની પ્રતિક્રિયાઓ અને આવેગો ઝડપથી સમી જાય એવા અન્ય પગલાં પણ સરકારે ભરવાના રહે છે. પરંતુ લોકોની ભાવનાઓ કે તેમના ઉશ્કેરાટને ધ્યાનમાં લીધા વિના સરકાર આવી સંવેદનશીલ કામગીરી પણ તેની મંથર “સરકારી” ગતિએ જ કરે છે અને પરિણામે લોકોના આવેગો, પ્રત્યાવેગો અને ઉશ્કેરાટ ઝડપથી શાંત થતા નથી અને અધૂરામાં પૂરું રાજકીય લાભ ખાટવાના મનસૂબાથી વિપક્ષ-શાસક પક્ષના નેતાઓ લોકોની લાગણીઓને ભડકાવતા નિવેદનો કર્યે રાખે છે જેથી લોકો કોઈ ચોક્કસ સમુદાયના લોકો સામે હિંસક બનવા પ્રેરાય છે અને લોકશાહીને છાજે નહિ તેવી ભાંગફોડ, આગજની, તોફાનો અને મારા-મારીની હિંસક અને હિચકારી પ્રવૃત્તિઓ કરવા પર ઉતરી આવે છે. આવી પ્રવૃત્તિઓ લોકશાહી શાસનપ્રણાલિની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત આમ જનતાની રોજીંદી આર્થિક ગતિવિધિઓને પણ જોખમમાં મૂકી દે છે અને તેમાંથી નિર્માણ થાય છે અરાજકતા અને અજંપાની સ્થિતિનું જે કોઈપણ લોકશાહી રાષ્ટ્રના વિકાસ આડેનો સૌથી મોટો અવરોધ બને છે.
હાલમાં ગુજરાતમાં કંઈક આવી જ પરિસ્થિતિનું ધીમે ધીમે નિર્માણ થઈ રહ્યું હોય એમ જણાય છે. માસૂમ બાળા પર થયેલ દુષ્કર્મને પગલે રાજ્યના ઘણા ભાગોમાં પરપ્રાંતિયો પર સ્થાનિક લોકો દ્વારા હુમલાઓ અને મારામારી કરવાના બનાવોની સંખ્યા વધતી જાય છે, પરિણામે રાજ્યમાં રોજગારી-ધંધાર્થે વર્ષોથી વસવાટ કરતા પરપ્રાંતિયો હવે આ સ્થિતિથી ગભરાઈ ગયા છે અને તેમના ધંધા-રોજગાર છોડી તેમના માદરે વતન પલાયન કરી રહ્યા છે. અહીં મહત્ત્વની બાબત એ છે કે લોકોને હવે સરકાર ઝડપથી કંઈક નક્કર કામગીરી કરશે એ વાતમાં તલભાર પણ વિશ્વાસ રહ્યો નથી પછી એ ગુજરાતના લોકો હોય કે બીજા રાજ્યોમાં ધંધાર્થે સ્થાયી થયેલા પરપ્રાંતિયો. ગુજરાતીઓને એમ છે કે આવી અમાનવીય ઘટના ઘટી છતાં અને સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી હૈયાધારણ આપી હોવા છતાં લોકોને તો એમ જ લાગે છે કે સરકારના પેટનું પાણી હલતું નથી અને સરકાર આ મામલે કોઈ નક્કર કામગીરી કરવાની નથી, તો સામે પક્ષે પરપ્રાંતિયોને પણ એમ જ લાગે છે કે સરકાર ભલે તેમનું રક્ષણ કરવાની ખાતરી આપતી હોય પણ ખરેખર જ્યારે જીવ જોખમમાં હશે ત્યારે સરકાર કોઈ કાળે તેમનું રક્ષણ કરી શકવાની નથી. લોકશાહી શાસનવ્યવસ્થામાં શાસન પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જવો એ બહું ગંભીર બાબત છે પણ રાત-દિવસ સત્તાના મદમાં રાચ્યા રહેતા અને આમ જનતાને પડતી રોજીંદી મુશ્કેલીઓ સામે હંમેશા આંખ આડા કાન કરતી સરકારોના મંત્રીઓને કે નેતાઓને એની ક્યાં પડી હોય છે.
UP Bihar Gujarat
ગુજરાતમાં પરપ્રાંતિયોની આવન-જાવન એ કંઈ આજકાલની નથી. ઈતિહાસ સાક્ષી છે કે શાંતિપ્રિય અને ધંધા માટે એકદમ અનુકૂળ અને આદર્શ ગણાતા ગુજરાતમાં વર્ષોથી બીજા રાજ્યના એટલે કે પર-પ્રાંતિય લોકો ધંધા-રોજગાર અર્થે આવીને વસ્યા છે અને દૂધમાં સાકર ભળે એમ રાજ્યના અન્ય લોકો સાથે ભળી જઈને ખભેખભા મિલાવીને રાજ્યના વિકાસમાં તેમનું યોગદાન આપતા રહ્યાં છે. રાજ્યના નાના-મોટા ઉદ્યોગો અને ધંધા-વ્યવસાયોમાં પરપ્રાંતિયો એટલે કે બિનગુજરાતી કામદારોની સંખ્યા નોંધાપાત્ર છે તેથી આવા કામદારોના પલાયનથી ઉદ્યોગો અને ફેક્ટરીઓ માટે સ્થિતિ હવે કપરી બનતી જાય છે. ગુજરાતમાં હજુ પણ દિવાળી એ ધંધાનો આખરી દિવસ ગણાય છે અને એ રીતે જોતા દિવાળી પહેલાના બે થી ત્રણ માસ ઉદ્યોગ-ધંધાઓ માટે તેમનું ઉત્પાદન અને આર્થિક ગતિવિધિઓને તેજ બનાવી બને એટલી વધુ કમાણી કરી લેવાનો મહત્ત્વનો સમયગાળો હોય છે એવા સમયે ગુજરાતમાંથી પ્રરપ્રાંતિયોની આ હિજરત જો આગામી સમયમાં નહિ રોકાય તો ગુજરાતના ઉદ્યોગોને બહુ માઠી અસર પહોંચી શકે છે અને જો આ હિજરત નહિ અટકે તો આવનારા દિવસોમાં સરકાર અને ઉદ્યોગો બંનેની આકરી કસોટી થવાની છે.