વાસ્તુશાસ્ત્ર અને દિશાઓ

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (09:56 IST)
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર કે ઓફ‍િસનું બાંધકામ કરવામાં આવે તો તેમાં રહેતા લોકોના મન ઉપર બ્રહ્માંડમાં સંચાર કરતી ઉર્જા એટલે કે કૉસ્મિક ઊર્જાની હકારાત્‍મક અસર પડે છે. અને તેમાં રહેતા લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધ‍િ પ્રાપ્ત કરે છે. માટેજ વાસ્‍તુશાસ્‍ત્રને વેદોમાં સ્થાપત્ય વેદ કહેવામાં આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે જ્યોતીષશાસ્‍ત્ર પ્રમાણે ગ્રહો માનવીના મન ઉપર અસર કરે છે. વળી દરેક ગ્રહ કોઇને કોઇ દિશાનો આધીપતિ છે. માટે દરેક દિશા પણ માનવીના મન પર પોતાની અસર છોડે છે. આપણે અહીં જોઇએ કે કઇ દિશાની કેવી અસર રહે છે.

ઉત્તર દિશાનો સ્‍વામી બુધ ગ્રહ છે. આ દિશા ધન, શત્રુઓ પર વિજય અને વિકાસ ની દિશા છે. માટે તિજોરી આ દિશામાં રાખવામાં આવે છે.

પૂર્વ દિશાનો સ્‍વામી સુર્ય છે. આ દિશામાંથી સારી ઊર્જા આવે છે. માટે જ ઘરનું પ્રવેશ દ્વાર આ દિશામાં હોય તો સર્વોત્તમ માનવામાં આવે છે.

દક્ષિણ દિશાનો સ્‍વામી મંગળ છે. જ્યોતીષ શાસ્‍ત્ર પ્રમાણે મંગળને અશુભ માનવામાં આવે છે. માટેજ ઘરનું પ્રવેશ દ્વાર આ દિશામાં રાખવામાં નથી આવતું.

પશ્વિમ દિશાનો સ્વામી શનિ છે. તેનો પ્રભાવ ભાઈ, પુત્ર, અન્ન અને પ્રગતિ પર વધુ પડે છે. ઇશાન ખૂણાનો સ્‍વામી ગુરૂ છે. ઘરનો આ ભાગ સાફ અને સ્વચ્છ હોય તો બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.

અગ્નિકોણનો સ્વામી શુક્ર છે. (અગ્નિકોણને લક્ષ્મીનું પણ સ્થાન કહેવાયું છે) આ દિશા ભૌતિક સુખ, સમૃદ્ધ‍િ, ધન પ્રાપ્તિ, પ્રસિદ્ધિ, અને ઈચ્છા પૂર્તિ કરનારી છે. માટે આ દિશામાં ગંદકી કરવી નહીં. વળી આ દિશામાં શૌચાલય યોગ્‍ય નથી.

નૈઋત્યખૂણાનો સ્‍વામી રાહુ છે. જો તે દિશામાં દોષ હોય તો કૌટુબિંક કલેશનું ઉત્પન્‍ન થાય છે. આ દિશા પિતૃની પણ હોવાથી વંશવૃદ્ધિને પણ અસર કરે છે.

વાયવ્ય દિશાનો સ્વામી ચંદ્ર છે. આ દિશાની અસર મન પર વિશેષ થાય છે.

આ રીતે દરેક ગ્રહ કોઇને કોઇ દિશા પર પોતાની અસર છોડે છે. અને તેની અસર ઘરમાં રહેતા લોકો પર થાય છે.

પરૂન શર્મા

વેબદુનિયા પર વાંચો