UP Election 2017: હુ અને રાહુલ સાઈકલના બે પૈડા જેવા - અખિલેશ
રવિવાર, 29 જાન્યુઆરી 2017 (17:58 IST)
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણી સાથે મળીને લડવાના શાસક સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે કરેલા નિશ્ચયને પગલે રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ સિંહ યાદવ અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે અહીં એમના સંયુક્ત ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. બંનેએ એ માટે અહીં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે અમારું જોડાણ ઉત્તર પ્રદેશ રાજ્યના વિકાસ, સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટેનું છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અખિલેશ યાદવ સાથે તેમના વ્યક્તિગત સંબંધો છે. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનને ગંગા-યમુનાનું મિલન ગણાવ્યું. રાહુલ ગાંધી કહ્યું કે ક્રોધની રાજનીતિથી દેશને નુકસાન પહોંચ્યું છે. યુપીના ડીએનએમાં ભાઈચારો અને પ્રેમ છે, ક્રોધ નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષે એમ પણ કહ્યું કે યુપીના યુવાઓને અમે વિકલ્પ અને નવો રસ્તો આપવા માંગીએ છીએ, નવા પ્રકારની રાજનીતિ આપવા માંગીએ છીએ. અમે વૈચારિક સમાનતા પર ચૂંટણી લડી રહ્યાં છીએ.
અખિલેશ અને રાહુલ ગાંધીએ એકબાજાના ખુબ વખાણ કર્યા હતાં. રાહુલે જ્યાં અખિલેશ સાથેના વ્યક્તિગત સંબંધોનો ઉલ્લેખ કર્યો ત્યાં અખિલેશે પોતાને અને રાહુલને સાઈકલના બે પૈડા ગણાવ્યાં. અખિલેશે કહ્યું કે સાઈકલની સાથે હાથ હોય અને હાથની સાથે સાઈકલ હોય તો ઝડપ વધશે જ. યુપી દેશને રસ્તો બતાવે છે. અમે પ્રદેશને વધુ ઝડપથી આગળ વધારશું.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ શું બધી વિધાનસભાની સીટો પર ચૂંટણી લડશે તો તેમણે જવાબ આપ્યો કે આ કોઈ બહુ મોટો મુદ્દો નથી. ખુબ નાનો મુદ્દો છે જેનો ઉકેલ લાવી દેવાશે. મુખ્ય મુદ્દો ભાજપને હરાવવાનો છે. ઉત્તર પ્રદેશમાં આવતી 11 ફેબ્રુઆરીથી ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાનો આરંભ થશે. મતદાન સાત તબક્કામાં યોજાવાનું છે અને 8 માર્ચે પૂરું થશે. આ ચૂંટણી માટે કોંગ્રેસ 105 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે સમાજવાદી પાર્ટી 298 બેઠકો પર ચૂંટણી લડશે.