ધ્રુવ તારાના તેજ સમાન બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવતી ભારતીય પોસ્ટ વિભાગની ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. યોજના

સોમવાર, 20 માર્ચ 2023 (12:15 IST)
ઊંચો વ્યાજ દર, સુરક્ષિત બચત અને કરમુક્તિના ત્રિવેણી સંગમ સમાન લાભ આપતી યોજના
 
 "દીકરા માટે સરકારની આવી સુરક્ષિત યોજના છે, એવો તો મને ખ્યાલ જ ન હતો. પણ હવે હું મારા દીકરાના ભવિષ્ય માટે નિશ્ચિત છું" આ શબ્દો છે રાજકોટના અંકુરભાઈ દોંગાના. બાળકોના ભવિષ્યની દરેક માતા પિતાને ચિંતા હોય છે. ભવિષ્યના શિક્ષણ, આરોગ્ય, લગ્ન દરેક તબક્કાના ખર્ચ માટે માતા પિતા સતત આયોજન કરતાં હોય છે. ત્યારે બાળકના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત કરતી ભારત સરકારની ભારતીય ટપાલ વિભાગ દ્વારા સૌથી વધુ વ્યાજ આપતી યોજનાઓમાની એક ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. યોજનાથી અંકુરભાઈ પોતાના બાળકના ભવિષ્ય માટે નિશ્ચિત બન્યા છે. 
 
ભારત સરકાર દેશના દરેક વર્ગ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાંથી ઘણી નાની બચત યોજનાઓ છે જેમાં તમે રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. જો તમે હજુ સુધી બાળકોના ભવિષ્ય માટે આયોજન નથી કર્યું, તો ચોક્કસ કરો. ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. યોજના દ્રારા બાળકને શૂન્યથી લઈ કોઈ પણ ઉંમરે આ ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં મજબૂત વળતરની સાથે કર મુકિતનો લાભ મળે છે. 
 
ભારત સરકારની આ યોજનામાં કોઈપણ પ્રકારના બજાર જોખમનો સમાવેશ થતો નથી તેથી સુરક્ષાની ૧૦૦% ગેરંટી મળે છે. આ યોજના હેઠળ, તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. અંકુરભાઈ વધુ જણાવતા કહે છે કે, મેં મારા બાળક નિર્મિત માટે આ ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. સ્કીમનો લાભ લીધો છે, જેના થકી હું દર મહિને થોડી બચત કરી મારા બાળકને ભવિષ્યમાં જરૂર પડતી મોટી રકમની તૈયારી કરી શકીશ. 
 
મારા ઘરે આવેલ પોસ્ટમેન દ્વારા મને આ યોજનાની જાણ થઈ તેણે મને જણાવ્યું કે,જેમ દીકરીઓ માટે સુકન્યા યોજના છે તેમ દીકરાઓ માટે પણ ધ્રુવ સંકલ્પ યોજનાથી ખૂબ સારા વ્યાજ દર સાથે નાની રકમથી પણ મોટી બચત કરી શકાય છે. હાલ બજારમાં બેંકોની સરખામણીએ ભારત સરકારનો પોસ્ટ વિભાગ સુરક્ષિત અને ખૂબ સારો વ્યાજ દર આપી રહ્યું છે. વળી આ યોજનામાં ૧૫ વર્ષ પુરા થયા બાદ હું બીજા પાંચ વર્ષની મુદત પણ વધારી શકું છું. આમ કરી હું મારા બાળક માટે ભવિષ્યના સંભવતઃ વિદેશ ભણવા જવા કે ભારતમાં પણ કોઈ ઉચ્ચ શિક્ષણ માટે જરૂર પડતી રકમની બચત કરી રહ્યો છું. 
 
PPF ખાતું ખોલવાની યોગ્યતા જાણો કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ પી.પી.એફ. સ્કીમમાં રોકાણ કરી શકે છે. જેમાં ઉંમરનો કોઈ બાધ નથી. આ યોજના અંતર્ગત બાળકોના ખાતા માતા પિતાની દેખરેખ હેઠળ ખોલવામાં આવે છે. એક વ્યક્તિ ફક્ત એક જ PPF ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ૧૫ વર્ષના સમયગાળા માટે ખોલી શકાય છે. જેમા એક નાણાકીય વર્ષમાં ૫૦૦ રૂ.થી લઈને ૧.૫ લાખ રૂ. સુધીનું રોકાણ કરી શકાય છે. ખાતું ખોલવા માટે બાળકનું આધાર કાર્ડ અથવા જન્મ તારીખનો દાખલો, માતા/પિતાનું આધાર કાર્ડ,પાનકાર્ડની નકલ અથવા ફોર્મ નં. ૬૦ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટાની આવશ્યકતા રહે છે. 
 
વ્યાજ દર અને કર મુક્તિની વિગતો પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ કરવાથી, દર વર્ષે ૭.૧ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને(ક્વાર્ટરમાં) PPFના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે આવકવેરાની કલમ 80 C હેઠળ, એક નાણાકીય વર્ષમાં ૧.૫ લાખ રૂ. સુધીની છૂટ મેળવી શકાય છે. અને આ સ્કીમ પર મળતા વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. 
 
સરળ લોન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલા પૈસા પર લોનની સુવિધા પણ મળે છે. PPF ખાતું ખોલ્યાના ત્રણ વર્ષ પછી લોનની સુવિધા મેળવી શકાય છે. અને પાંચ વર્ષ બાદ જમા રકમના અમુક ટકા રકમનો ઉપાડ પણ કરી શકાય છે. ધ્રુવ સંકલ્પ પી.પી.એફ. યોજનાનો લાભ લઇ દરેક માતા-પિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના ખર્ચની ચિંતામાંથી મુક્ત થઈ શકશે. આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના ભવિષ્યના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
 
ભારતીય સમાજમાં બચત એક મોટું સબળુ પાસું છે. 
આપણા સમાજમાં બચતને સંકટ સમયની સાંકળ માનવામાં આવે છે ત્યારે રાજકોટના ભક્તિનગર વિસ્તારની પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઓફિસર સુનિલભાઈ લોલડીયા દ્વારા સંકટ સમયની સાંકળ નામથી જ બાળકો પણ બચતના ગુણ શીખે તે માટે વિવિધ શાળાઓમાં જઈ બાળકોને પોતાને મળતી પોકેટમનીમાંથી બચત કરી ભવિષ્ય માટે દુરદર્શી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં સુનિલભાઈ દ્વારા રાજકોટની વિવિધ શાળાઓમાં બાળકોને બચત માટે જાગૃત કરી ૩૦૦થી વધુ બચત ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર