સુરતમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો, શરદી ખાંસી મટતાં 15 દિવસ લાગે છે.
સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (12:43 IST)
ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર યથાવત છે ત્યારે લોકોને વાયરલ રોગોની અસરથી હેરાન થવું પડ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરમાં ઠંડીમાં વધારો થવાથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ દિવસે અને રાત્રે ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો નોંધાતાં શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીના કારણે ભેજવાળું વાતાવરણ સર્જાતાં વાયરલ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. વાઇરસ હવામાં રહેતો હોવાના કારણે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે, પરંતુ હાલ, એક-બે અઠવાડિયા સુધી વાયરલ ઇન્ફેક્શનની યોગ્ય સારવાર કરાવવા છતાં મટતું નથી. તેનું કારણ એ છે કે વાયરલનો વાઇરસ મજબૂત થઈ ગયો છે. પહેલા બે દિવસ દવા લેવાથી શરદી-ખાંસી મટી જતી હતી. જોકે, હવે તેને મટતા એકથી બે અઠવાડિયા સુધીનો સમય લાગી જાય છે. ઇન્ફેક્શનથી બચવા માટે હવાના સીધા સંપર્કમાં ન આવવું. તેમ જ જો વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો આરામ કરવો જોઈએ અથવા મોં પર માસ્ક પહેરીને ફરવું જોઈએ. ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. જો વાયરલની અસર જણાય તો તરત ડોક્ટર પાસેથી નિયમિત અને યોગ્ય સારવાર લેવી જોઈએ. 3થી 14 વર્ષની ઉંમરનાં બાળકો અને વૃદ્ધોમાં ઇન્ફેક્શન ઝડપથી થાય છે.