2016 કબડ્ડી વર્લ્ડ કપની શ્રેષ્ઠ ચાર ટીમો ફાઈનલ માટે તૈયાર
શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (15:48 IST)
સેમિ-ફાઈનલ્સ અને ફાઈનલમાં વર્લ્ડ કપ ટ્રોફી માટે ભારત, ઈરાન, રીપબ્લિક ઓફ કોરીયા અને થાઈલેન્ડની ટીમો ઉતરશે. 2016ના કબડ્ડી વર્લ્ડ કપના અંતિમ તબક્કા માટે સેમિ-ફાઈનલિસ્ટ ટીમો ભારત, ઈરાન, રીપબ્લિક ઓફ કોરીયા અને થાઈલેન્ડની ટીમો સજ્જ થઈ ગઈ છે. છેલ્લા 13 દિવસ દરમિયાન ભારત, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈરાન, કેન્યા, પોલેન્ડ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, રીપબ્લિક ઓફ કોરીયા, જાપાન અને આર્જેન્ટિનાના 150થી વધુ રમતવીરોએ શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં આપણે ઘણાં અવિસ્મરણીય પ્રદર્શનો, શ્રેષ્ઠ કમબેક્સ, મોટા અપસેટ્સ અને નવી પ્રતિભાઓને ઉભરતા જોઈ છે. હવે ગુજરાતના અમદાવાદ શહેરમાં ટ્રાન્સસ્ટેડિયા દ્વારા અરીના ખાતેના અંતિમ પુરસ્કાર માટે ચાર દેશો વચ્ચેની હરીફાઈમાં અભૂતપૂર્વ રોમાંચ જોવા મળશે.
આ ચાર ટીમો વચ્ચે 21મી ઓક્ટોબર, 2016ના રોજ સેમિ-ફાઈનલ્સ યોજાઈ રહી છે અને પ્રત્યેક ટીમો તેમના બેજોડ અભિગમ સાથે મેદાનમાં ઉતરશે. ભારત તેની અનુભવી રેઈડ ટીમ અને શક્તિશાળી ડીફેન્સ સાથે થાઈલેન્ડ પર વર્ચસ્વ જમાવી શકે છે. ભારતે રીપબ્લિક ઓફ કોરીયા સામેની છેલ્લી ઘડીની હારથી ઉભરીને બાકીને તમામ ગ્રુપ સ્ટેજ મેચોમાં સરળતાપૂર્વક જીત હાંસલ કરી હતી. આ વખતે ભારતની કબડ્ડીની રમત ચાહકોને રોમાંચની અનુભૂતિ કરાવશે તેવી અપેક્ષા છે. ભારતની ટીમના કેપ્ટન અનુપ કુમારે નવા પડકારો માટે ટીમને ઘણી સજ્જ કરી દીધી છે.
સેમિ-ફાઈનલમાં ભારતની પ્રતિસ્પર્ધી ટીમ થાઈલેન્ડ 2016 કબડ્ડી વર્લ્ડ કપમાં યુવા પ્રતિભાઓ સાથે આગમન કર્યું હતું, જેઓ ફીટ, ઉત્સાહી અને મજબૂત ડીફેન્સની ક્ષમતા ધરાવે છે. ખોમ્સાન થોંગકામના નેતૃત્વ હેઠળની આ ટીમે અત્યંત સક્ષમ એવી કેન્યાની ટીમને ગ્રુપ સ્ટેજમાં ઘણો પડકાર આપ્યો હતો.
રીપબ્લિક ઓફ કોરીયાએ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ ભારતને માત આપીને ઘણો મજબૂત પ્રારંભ કર્યો હતો. ગ્રુપ સ્ટેજમાં આ ટીમ તમામ પાંચ મેચો જીતી છે અને ભારતથી આગળ વધીને તેમના ગ્રુપમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. કેપ્ટન ડોંગ જુ હોંગ અને તેમની ટીમ તેમના કરીશ્માઈ રેઈડર જેન કુન લીના વિશિષ્ટ પ્રદર્શન સાથે ઉર્જાનો સંચાર કરશે. ભારત અને બાંગ્લાદેશ સામેની અત્યંત કઠીન મેચોમાં જેન કુન લીએ અત્યંત કુશળતાપૂર્વક રેઈડ કરીને છેલ્લી ઘડીએ જીત મેળવી હતી.
આ વર્લ્ડકપ ટ્રોફી હાંસલ કરવા માટે ઈરાનથી ઘણી અપેક્ષો છે. આ ટીમે કેપ્ટન મેરાજ શેખની આગેવાનીમાં તમામ અપેક્ષાઓ પરીપૂર્ણ કરી છે. પાવર-પેક્ડ ડીફેન્સિવ યુનિટ સાથે આ ટીમે એક વિશિષ્ટ છબી ઉપસાવી છે. જ્યારે રીપબ્લિક ઓફ કોરીયાના રેઈડર્સ ઈરાનના ડીફેન્સ સામે લડત આપશે ત્યારે સેમિ-ફાઈનલની સ્પર્ધા ઘણી રોમાંચક બની રહેશે.
ઈન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી જનાર્દન સિંઘ ગહેલોતે જણાવ્યું હતું કે 2016 કબડ્ડી વર્લ્ડ કપમાં તમામ 12 સહભાગી ટીમોએ કરેલા પ્રદર્શનથી અસાધારણ પ્રતિભા અને ઉત્સાહ બહાર આવ્યો છે. પ્રત્યેક મેચ સાથે કબડ્ડીના ચાહકોનો રોમાંચ પણ વધી રહ્યો છે તથા સેમિ-ફાઈનલ અને ફાઈનલમાં શ્રેષ્ઠ કક્ષાની કબડ્ડી પ્રદર્શિત જોવા માટે અમે આતુર છીએ.