અખબારમાં વાંચીને યુવાન વયે હરેન્દ્રસિંહ દાયમા સચોટ રાષ્ટ્ર ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગીત ગાન ની તાલીમ લેવા આવ્યા હતા વડોદરા

શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (12:42 IST)
દેશ આઝાદી કા અમૃત પર્વ મનાવી રહ્યો છે.રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગીત એ ભારત હોય કે અન્ય કોઈપણ દેશ હોય,તમામ માટે રાષ્ટ્ર માતાના ખુબ આદરણીય અને વિદ્યમાન પ્રતીકો છે.તેમનું સન્માન જાળવવું એ દેશનું સન્માન જાળવવા નું જ કામ છે. અને વડોદરામાં જયુબિલી બાગ પાછળ આવેલા અને દાયકાઓ થી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા સરદાર ભવન ટ્રસ્ટના નિયામક હરેન્દ્રસિંહ દાયમા છેલ્લા સાડા ચાર દશક કરતાં વધુ સમય થી રાષ્ટ્ર ધ્વજની વંદના અને ક્ષતિવગર સચોટ રાષ્ટ્ર ગીત ગાવાની તાલીમ આપીને અનોખી દેશ સેવા કરી રહ્યાં છે.
તેઓ ખાસ કરીને ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વો પહેલા આ તાલીમનું આયોજન કરે છે.અને આનંદ ની વાત એ છે કે તેમણે આજે યોજેલા તાલીમ સત્રમાં ગોત્રીની એક સેવા સંસ્થાના ઉપક્રમે ૨૨ દીકરીઓ સહિત વિવિધ ક્ષેત્રોના લોકોએ રાષ્ટ્રનું આદર જાળવવાની નેમ સાથે આ તાલીમ લીધી હતી.
 
મારું વતન નારેશ્વર પાસેનું સગડોળ ગામ એવી જાણકારી આપતાં હરેન્દ્રસિંહે જણાવ્યું કે યુવાવસ્થાની શરૂઆતમાં જ વડોદરામાં સરદાર ભવનમાં આવી તાલીમ અપાય છે એવું અખબારમાં વાંચી આ તાલીમ લેવા હું વડોદરા આવ્યો હતો.તે સમયે રમણ કુમાર રાણાએ મને આ તાલીમ આપી અને તેમના પછી મેં આ જવાબદારી સ્વીકારી લીધી અને આજ સુધી કામ ચાલુ રાખ્યું છે.
 
તેમણે અત્યાર સુધી કેટલા લોકોને તાલીમ આપી એનો રેકોર્ડ પણ રાખ્યો છે. તે પ્રમાણે ૪૬ વર્ષમાં તેમણે સવા ત્રણ લાખથી વધુ લોકોને,સંસ્થાઓને આ તાલીમ આપીને ખૂબ ઉમદા દેશ સેવાનું કામ કર્યું છે.
 
આમ જુવો તો રાષ્ટ્રવાદી પેઢીના ઘડતરમાં આ પાયાનું કામ ગણાય કારણકે રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગીત એ દેશનું સન્માન અને સ્વમાન છે. એને સર્વોચ્ચ આદર આપવાની આદત દેશભક્તિ ના સિંચનનુ પહેલું પગથિયું બની શકે.
 
અત્રે એ યાદ આપવાની જરૂર છે કે વડોદરાએ પ્રજામંડળ દ્વારા રાજાશાહીમાં લોકશાહી નો અદભુત પ્રયોગ કર્યો હતો.૧૯૪૪ માં પ્રજામંડળ દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા સરદાર ભવનની સ્થાપના કરવામાં આવી હતી.
 
રાષ્ટ્ર ધ્વજ માન્ય ખાદી ભંડારમાં થી જ ખરીદી શકાય એવી જાણકારી આપતાં દાયમા એ જણાવ્યું કે ભારત ની ધ્વજ સંહિતા ફ્લેગ કોડમાં રાષ્ટ્ર ધ્વજના માપ સહિત વિવિધ જોગવાઈઓ આપવામાં આવી છે જેનું ચુસ્ત પાલન દેશનું સન્માન જાળવવા કરવું અનિવાર્ય છે.
 
સૂર્યોદય પછી જ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકાય અને સૂર્યાસ્ત પહેલાં વિધિવત અને સન્માન સહિત રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવા સહિત ખૂબ વિસ્તૃત નિયમો છે જે તેઓ આ તાલીમ હેઠળ શીખવાડે છે. આ ફ્લેગ કોડમાં અવાર નવાર સુધારા કરવામાં આવ્યા છે અને અત્યારે સન ૨૦૦૨ ની સુધારેલી ધ્વજ સંહિતા અમલમાં છે.
 
તે જ રીતે જન ગણ મન અધિનાયક...રાષ્ટ્ર ગીત ગાતી વખતે બહુધા લોકો ૬ જેટલી ભૂલો કરે છે એવું તેમણે નોંધ્યું છે.એટલે તેઓ સચોટ શબ્દ રચનાનો ઉપયોગ કરી રાષ્ટ્ર ગીત ગાન નો મહાવરો કરાવે છે.
 
તેઓ કહે છે કે સમયની સાથે રાષ્ટ્ર ધ્વજમાં પણ ફેરફારો થયાં તે પછી વર્તમાન ધ્વજ સ્વીકારવામાં આવ્યો છે.તેમની પાસે ક્રમિક વિકાસ દર્શાવતા ૭ જેટલા ધ્વજો છે જેના આધારે તેઓ રાષ્ટ્ર ધ્વજના ઇતિહાસ ની સમજણ આપે છે.
 
બાળકને જેમ બચપણ થી વડીલોને માન આપવાના સંસ્કારો આપવામાં આવે છે તે જ રીતે રાષ્ટ્રને માન આપવાના સંસ્કાર આપવાની,આદર આપવાની આદત પાડવાની જરૂર છે.હરેન્દ્રસિંહ ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન તાલીમ દ્વારા આ અનેરા સંસ્કાર સિંચનનું કામ કરી રહ્યાં છે. એમની ભાવના અને કામ સલામ ને પાત્ર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર