ઇંડિયન વેલ્સ(યુએસએ). ઇંડિયન વેલ્સ ખાતે રમાઈ રહેલી પેસીફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મંગળવારે ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ડેનીએલા હંટૂચોવા સામે સીધા સેટોમાં હારી જતા ભારતના વિજયી અભિયાનનો અંત આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ 5મી ક્રમાકિંત સ્લેવેકિયન ખેલાડી હંટૂચોવાની વિજયી લડત સામે સાનિયાએ જાણે હથિયાર હેઠા નાખી દીધા હોય તેવું સમગ્ર રમત દરમિયાન દેખાઈ આવતુ હતું. બે વખતની વિજેતા હંટૂચોવાએ સાનિયાને સીધા સેટોમાં 6-1, 7-6માં હરાવી દીધી હતી. હંટૂચોવાએ એક કલાક અને 55 મીનિટમાં સાનિયાને હરાવીને સ્પર્ધાની ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હંટૂચોવાની આગામી લડત સંભવિત ક્વાટર ફાઈનલમાં 2006ની વિજેતા મારિયા શારાપોવા સામે થશે.
4થી ક્રમાંકિ રશિયન ખેલાડી મારિયા શારાપોવા છેલ્લી 16 મેચો લગાતાર જીતતી આવી રહી છે. અત્રે જણાવવાનું કે હંટૂચોવાએ ગયા વર્ષે આ જ સ્પર્ધામાં રશિયન ખેલાડી સ્વેતલાના કુઝનીત્સોવાને હરાવીને ખિતાબ કબ્જે કર્યો હતો