ઉત્તરાયણમાં પક્ષીઓનું આવી બને છે !

PTIPTI

ઉત્તરાયણનો સૌથી વધુ શોખ ગુજરાતી પ્રજામાં જ જોવા મળે છે. પરંતુ પતંગ ઉડાવવાના ચસકામાં તેઓ ભૂલી જાય છે કે પતંગનો માંજો અનેક પક્ષીઓ માટે ફાંસીનો ફંદો પણ બની શકે છે. પતંગના ધારદાર માંજાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે જખમી થાય છે તો કેટલાંક મૃત્‍યુ પામે છે. પતંગના દોરાથી અટકીને મૃત્‍યુ પામનારાં પક્ષીઓમાં કબૂતર, પોપટ, કાગડા વગેરેનું પ્રમાણ વધુ છે કારણ કે, મકરસંક્રાંતિના દિવસે આકાશ ચારેકોર અવનવી તેમ જ રંગબેરંગી પતંગો જ જોવા મળે છે.

15 જાન્‍યુઆરી સુધી મુંબઈના વિવિધ ભાગોમાંથી પક્ષી બચાવવા માટેના કોલ આવે છે. બોરીવલી સ્‍થિત સમકિત જૈન યુવક મંડળ છેલ્લાં ચાર વર્ષથી ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે. મકરસંક્રાંતિના દિવસે આ મંડળના 500 સભ્‍ય મુંબઈના કેટલાક વિસ્‍તારોમાં ખડેપગે ઊભા રહે છે. કોલ આવતાં જ તેઓ ઘટનાસ્‍થળે પહોંચીને જખમી થયેલાં પક્ષીઓને તાત્‍કાલિક સારવાર આપી ઉગારી લે છે.

હજી સુધી આ મંડળે લગભગ 2000થી વધુ જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપી તેઓને જીવનદાન આપ્‍યું છે. આ વખતે મકરસંક્રાંતિના દિવસે મંડળે પક્ષીઓની સારવાર માટે દસ કેન્‍દ્ર શરૂ કયાષ્ટ છે, જેમાં વિરાર, નાલાસોપારા, ભાયંદર, દહિસર, બોરીવલી પૂર્વ અને પિશ્ચમ, કાંદિવલી (પ.), મલાડ (પ.), અંધેરી અને કોલાબાથી ભાયખલાના વિસ્‍તારો સાંકળી લેવામાં આવ્‍યા છે.

મંડળના એક સભ્‍યએ જણાવ્‍યું હતું કે દર વર્ષે અમારી સાથે પરેલ સ્‍થિત વેટરનરી કોલેજના 21 ડોકટરો હોય છે. આ ડોકટરોને જે વિસ્‍તારમાં કેન્‍દ્ર ખોલાયાં છે ત્‍યાં મૂકવામાં આવે છે, જેથી જખમી થયેલાં પક્ષીઓને યોગ્‍ય સમયે સારવાર મળે છે. જો પક્ષીઓની હાલત ખરાબ હોય તો મંડળ બોરીવલી ખાતે દોલતનગરમાં જૈન દેરાસરની બાજુમાં સુરક્ષિત જગ્‍યામાં મૂકે છે. પક્ષીઓ સ્‍વસ્‍થ થયા બાદ તેઓને ઉડાડી મૂકવામાં આવે છે. આવા 70થી વધુ કોલ બે-ત્રણ વર્ષથી પીએડબ્‍લ્‍યુએસ (પ્‍લાન્‍ટ એનિમલ વેલફેર એસો.)ને પણ આવે છે અને તેઓ પણ ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે.

વેબદુનિયા પર વાંચો