ઉત્તરાયણનો ઉત્સવ કુદરતનો ઉત્સવ છે. પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ ઉત્સવને મકરસક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલે છે, થોડો ઉત્તર તરફ ઢળતો જાય છે. તેથી આ કાળને ઉત્તરાયણ પણ કહે છે. સૂર્યના સંક્રમણની સાથે-સાથે જીવનનું પણ સંક્રમણ સંકળાયેલુ છે. તેથી આ ઉત્સવનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અનોખુ મહત્વ છે.
'તમસો મા જ્યોતિર્ગમય' અંધકારમાંથી પ્રકાશની તરફ પ્રયાણ કરવાની વૈદિક ઋષિઓની પ્રાર્થના આ દિવસના સંકલ્પિત પ્રયત્નોની પરંપરાથી સાકાર થવી શક્ય છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક આનંદને ખંખેરીને અંધકાર પર આક્રમણ કરવાનો આ શુભ દિવસે દ્રઢ સંકલ્પ કરે છે. આ દિવસથી અંધકાર ધીરે ધીરે ઓછો થતો જાય છે.
સારા કામ કરવાના શુભ દિવસોની શરૂઆત થાય છે. ધાર્મિક હિન્દૂ પ્રાર્થના કરે છે કે મકરસંક્રાંતિના પછી જ પોતાનું મૃત્યુ થાય. યમરાજ(મૃત્યુ)ને ઉત્તરાયણની શરૂઆત સુધી રોકવાવાળા ઈચ્છામરણી ભીષ્મ પિતામહ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અગ્નિ, જ્યોતિ અને પ્રકાશથી યુક્ત ગતિ અર્થાત શુક્લ ગતિ અને કુહરા અને અંધકારથી યુક્ત ગતિ અર્થાત કૃષ્ણ ગતિ, આ દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તરાયણમાં મૃત્યુની આકાંક્ષા એટલેકે તેજસ્વી અને પ્રકાશમય મૃત્યુની આકાંક્ષા છે. ધુમ્મસ જેવુ કાળુ અને અંધારા જેવુ ભયભીત જીવન માનવને નિકૃષ્ટ મૃત્યુની તરફ ખેંચીને લઈ જાય છે.