અમદાવાદ (વેબદુનિયા) વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે તો વળી, શનિવારથી જ પતંગ ચગાવી ઉત્તરાયણ પહેલાના દિવસોમાં ખેંચીને પેચ કાપવાના દાવની અજમાઇશ કરી લીધી છે કે જેથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં તેમના પતંગનો સિતારો બુલંદ રહે. કેટલાક પતંગરસિયાઓએ તો વળી, આજથી જ ત્રણ દિવસ માટે ટેપ, ટીવી, વીસીડી અને સ્પીકરો ધાબાઓ પર ગોઠવી લેટેસ્ટ સુપરહિટ ગીતોનો મારો ચલાવી શહેરોભરમાં ઉત્તરાયણના પર્વનું મોજું ફેલાવી દીધું છે.
બીજી બાજુ, શનિવાર - રવિવારની બે દિવસની રજામાં બજારમાં પતંગરસિયાઓની પતંગ-દોરી, ગુંદરપટ્ટી, આંગળીરક્ષક આવરણો, તુક્કલ વગેરેની ખરીદી માટે છેલ્લી ઘડીની પડાપડી કરી હતી. ખાસ કરીને અમદાવાદના કાલુપુર ટંકશાળ, દિલ્હી દરવાજા અને રાયપુર સહિતના કેટલાક જૂનાં ને જાણીતાં સ્થળોએ મોડી રાત સુધી ખરીદીના દ્રશ્યો સર્જાયાં હતાં.
હિંદુ ધર્મના તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર કંઇક વિશેષ અને અનોખો એટલા માટે છે કે, આ પર્વમાં નાના આબાલથી માંડી વૃદ્ધ સૌકોઇ તેની ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોય છે. અલબત્ત, બાળકો અને યુવાવર્ગ માટે તો બધા તહેવારોમાં ઉત્તરાયણ સૌથી પ્રિય તહેવાર હોય છે. કારણ કે, ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ કાપવાની ગળાકાપ હરીફાઇની મજા કંઇક ઔર હોય છે.
આ વખતે વર્ષો પછી ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના તહેવાર બે દિવસ પહેલા શનિ-રવિની રજા એકસાથે આવી છે. પાંચ દિવસની ઉત્તરાયણ માણવા મળતા યુવાવર્ગ તો જાણે પતંગ-દોરીમય બની તેની ઉજવણીમાં વ્યસ્ત બન્યો છે. શહેરભરમાં ઠેર-ઠેર ખૂણેખૂણેથી સંભળાતા હોટ ફેવરિટ અને લેટેસ્ટ સુપરહિટ ગીતોની સુમધુર ધૂનો અને સંગીતના વાતાવરણે જાણે નગરમાં ઉત્તરાયણમય મોજાનો પ્રવાહ ફૂંકયો હતો.
ND
N.D
આ વર્ષના નાગરિકોના હોટ ફેવરિટ ગીતોની ધૂનોમાં ભુલભુલૈયા ફિલ્મનું ગીત હરે રામ..હરે રામ.., હરે ક્રિશ્ના..હરે રામ, ઓમ્ શાંતિ ઓમ્ ફિલ્મનું દર્દે ડિસ્કો...દર્દે ડિસ્કો તેમ જ ઓમ્ શાંતિ ઓમ્ ટાઇટલ સોંગ, સાંવરિયાનું જબ સે તેરે નૈના તેમ જ સાંવરિયા ટાઇટલ સોંગ, વેલકમ ફિલ્મનું ટાઇટલ સોંગ વેલકમ્...વેલકમ્.., હે બેબી ફિલ્મનું ટાઇટલ હે..બેબી..બેબી.., ટોપ પર રહ્યા છે. તો બીજી બાજુ, પોપ સોંગ અને ઇંગ્લિશ રેપ સોંગની બોલબાલા પણ દર વખતની જેમ બરકરાર રહેવા પામી છે. કયાંક કયાંક તો વળી, જૂના ગુજરાતી ગીતો ઓઢણી ઉડુ..ઉડુ..ને ઊડી જાય, ઢોલા મારૃના ટાઇટલ સોંગ અને સનેડો..સનેડો..સહિતના ગીતોની સૂરાવલિ રેલાતી હતી.
ઉત્તરાયણની મજા બગડે નહીં તે માટે પતંગરસિયાઓએ શનિ-રવિની રજામાં છેલ્લી ઘડીની ખરીદી માટે પડાપડી કરી પતંગ-દોરી ઉપરાંત ગુંદરપટ્ટી, આંગળીરક્ષક આવરણ, પેપરરોલ, તુક્કલ, પીપુડા- વ્હીસલ, બેટરીયુકત હોર્ન, ગોગલ્સ, ટોપી, સહિતના મનોરંજનની વસ્તુઓની ખરીદી કરી હતી. એક બાજુ પતંગરસિયાઓ પતંગ-દોરીની ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા તો બીજી બાજુ, ઘરની મહિલાઓએ ઉત્તરાયણના તહેવાર માટે ખાસ તલસાંકળી, તલના લાડુ, મમરાના લાડુ, સીંગચીકી, ગુલાબજાંબુ, સહિતની મનભાવન ખાદ્યચીજો તૈયાર કરવા ઉપરાંત બોર, શેરડી અને જમરૂખની ખરીદી કરી લીધી હતી.