શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્રના દર્શન ન કરવા જોઇએ

રવિવાર, 3 જાન્યુઆરી 2021 (00:51 IST)
ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે.  ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ન કરવા જોઇએ. એના પાછળની વાર્તા આ છે.  
 
વાર્તા :- ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યાં હતાં. તેઓ આકાશ માર્ગે જઈ રહ્યાં હતાં તો તેઓનું મુખ જોઈને ચન્દ્ર હસવા લાગ્યો અને ભગવાન ગણેશની હસી ઉડાવવા લાગ્યો. તેથી ગણપતિ ચન્દ્ર પર ગુસ્સે થયાં. અને તરત જ તેઓએ ચન્દ્રને શ્રાપ આપી દીધો કે તને તારા રૂપ પર અભિમાન છે તો આજના દિવસે જે તારી સામે જોશે તે કોઇ પણ વાંક વિના આફતમાં પડશે. 
 
શ્રાપ સાંભળી ચન્દ્ર ધ્રૂજવા લાગ્યો. શ્રાપ આપીને ગણેશજી તો ત્યાંથી ચાલતાં થયાં પરંતુ ચન્દ્ર એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે તે કમળમાં જઈને છુપાઈ ગયો. પૃથ્વી પર અંધકાર છવાઇ જતાં બધા જ દેવો ચિંતામાં આવી ગયાં. તેમાંના કેટલાક દેવો બ્રહ્મા પાસે તેના શ્રાપનું નિવારન પુછવા માટે દોડી ગયાં. 
 
તેઓની વાત સાંભળી બ્રહ્માએ કહ્યું- ગણપતિનો શ્રાપ તો કોઇ જ મિથ્યા ન કરી શકે. છતાં પણ જો તમારે શ્રાપનું નિવારણ કરવું હોય તો ગણેશજીનું વ્રત કરીને ચન્દ્રએ તેમને રીજવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. તેના માટે ગણેશજીની પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની ચન્દ્ર સ્થાપના કરે. ચાર દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે, લાડુનો નૈવેધ ચડાવે, ગણેશજીની સ્તુતિ કરે. અને ચોથા દિવસે ઉપવાસ કરે અને સાંજે વાજતે-ગાજતે મૂર્તિ જળમાં પધરાવે. આ સિવાય આ દિવસે બ્રહ્મ ભોજન કરાવવું અને વસ્ત્રોનું દાન કરવું. તો આ વ્રતથી ગણપતિ જરૂર પ્રસન્ન થશે અને ચન્દ્રને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. 
 
ભાદરવાની અજવાળી એકમ આવતાંની સાથે ચન્દ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં તેને ગળગળા અવાજે ક્ષમા માંગી કે હે દેવ હુ જાણે-અજાણે તમારા દોષમાં આવ્યો છું તો મને ક્ષમા કરો.
 
ચન્દ્રની આજીજીથી ગણેશજી તેઓની પર પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદ આપતાં બોલ્યાં હે ચન્દ્ર તને હુ શ્રાપમુક્ત તો ન કરી શકું કેમકે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી છતાં પણ હુ તને તેના કલંકથી મુક્ત કરુ છું. કોઇ પણ જીવ ભાદરવા સુદ બીજના દર્શન કર્યાં પછી ચોથના દિવસે તારા દર્શન કરશે તેને કોઇ પણ સંકટનો સામનો નહી કરવો પડે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર