ન્યૂક્લિયર બૉમ્બ : દુનિયામાં કોની પાસે કેટલાં પરમાણુ હથિયાર છે? ભારત પાસે કેટલાં છે?

ગુરુવાર, 24 માર્ચ 2022 (11:25 IST)
યુક્રેન પર રશિયાનો હુમલો તીવ્ર થતો જઈ રહ્યો છે અને યુક્રેનનાં અનેક શહેરોમાંથી તબાહીનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે.
 
ત્યારે આ સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્યને પ્રતિરોધક શક્તિઓને 'સ્પેશિયલ એલર્ટ' પર રહેવાનો આદેશ આપ્યો હતો જેમાં પરમાણુ શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ પરમાણુ હથિયારના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે રશિયા દુનિયામાં મોટી સંખ્યા પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે.
 
પુતિને પોતાના સુરક્ષા વડાઓને કહ્યું કે પશ્ચિમનાં આક્રામક નિવેદનોના કારણે આમ કરવું જરૂરી બની ગયું છે.
 
એમ તો, એમની આ ઘોષણાનો મતલબ એવો બિલકુલ નથી કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માગે છે. પરંતુ એમના આ એલાને દુનિયામાં પરમાણુ શસ્ત્રોની ચર્ચા શરૂ કરી દીધી છે.
 
જોકે, શીતયુદ્ધના સમયગાળા પછીથી પરમાણુ હથિયારોના ભંડાર ઘટી ગયા છે, પરંતુ દુનિયામાં હજુ પણ સેંકડો પરમાણુ હથિયાર છે જેને ખૂબ ઓછા સમયમાં દુશ્મન દેશ પર છોડી શકાય છે.
 
રશિયા પાસે કેટલાં પરમાણુ હથિયાર છે?
પરમાણુ હથિયારોની સંખ્યાના આંકડા અનુમાનિત જ હોય છે પરંતુ ફેડરેશન ઑફ અમેરિકન સાઇન્ટિસ્ટ નામની સંસ્થા મુજબ રશિયા પાસે દુનિયાભરમાં 5,977 પરમાણુ હથિયારો છે. આમાંથી 1,500 ઍક્સપાયર થવાના છે અથવા જૂના થવાને કારણે જલદી તેમને નષ્ટ કરવા પડે
 
વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની વાત કરીએ તો રશિયા પાસે 1,185 ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલ્સ છે, સબમરીનથી લૉન્ચ કરી શકાય તેવી 800 બૅલેસ્ટિક મિસાઇલ છે.
 
બાકીના 4,500 હથિયારોને વ્યૂહાત્મક ન્યૂક્લિયર વેપન (વ્યૂહાત્મક પરમાણુ હથિયાર) માનવામાં આવે છે. આમાં બૅલેસ્ટિક મિસાઇલો અને રૉકેટ્સ સામેલ છે જે લાંબા અંતર સુધી મારો કરી શકે છે. આ હથિયાર છે જેનો સંબંધ પરમાણુ યુદ્ધની સાથે છે.
 
બાકીનાં હથિયારો ઘણાં નાનાં છે અને ઓછું નુકસાન કરનારાં છે જેમનો ઉપયોગ જમીન અથવા પાણીથી ઓછા અંતરના લક્ષ્ય પર કરી શકાય છે.
 
પરંતુ આનો એ અર્થ નથી કે રશિયાની પાસે હજારો લાંબા અંતર સુધી માર કરનારાં પરમાણુ હથિયારો છે જે ક્યારેય પણ વાપરી શકાય છે.
 
વિશ્લેષકોનું અનુમાન છે કે રશિયાએ આશરે 1,500 પરમાણુ હથિયાર તહેનાત કરી રાખ્યાં છે. આનો અર્થ છે કે આટલાં હથિયાર મિસાઇલ અને ઍરફોર્સના ઠેકાણા પર અથવા સબમરીન પર તહેનાત કર્યાં છે.
 
પરમાણુ હથિયારોથી કેટલું નુકસાન?

પરમાણુ હથિયારોનો હેતુ છે અધિકતમ તબાહી. પરંતુ તબાહીનું સ્તર નીચે ઉલ્લેખ કરવામાં આવેલા કારકો પર નિર્ભર છે -
 
- હથિયારોની સાઇઝ
- કેટલી ઉપર તેનો વિસ્ફોટ થયો
- સ્થાનિક વાતાવરણ
- પરંતુ નાનાંમાં નાનાં પરમાણુ હથિયારો મોટી સંખ્યામાં લોકોનો ભોગ લઈ શકે છે અને આવનારી પેઢીઓ પર પણ અસર પડી શકે છે.
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમામાં પરમાણુ બૉમ્બ ઝીંકવામાં આવ્યા હતા. અમેરિકાનો પરમાણુ બૉમ્બ 15 કિલોટનનો હતો.
 
આજકાલના પરમાણુ બમ એક હજાર કિલોટન સુધીનો હોઈ શકે છે.
 
જેમ કે કોઈ આટલા મોટા પરમાણુ હથિયારનો ઉપયોગ કર્યા બાદ વિસ્ફોટ થશે, તેની આસપાસ કંઈ નહીં બચે.
 
પરમાણુ વિસ્ફોટ દરમિયાન આંખો અંજાય જાય તેવો પ્રકાશ ફેલાયા બાદ એક આગનો ગોળો નીકળે છે જે પોતાની આસપાસના કેટલાય કિલોમિટર સુધી ઇમારતો અને અન્ય માળખાને તબાહ કરે છે.
 
પરમાણુ હુમલો પ્રતિરોધક શું છે અને શું આ એક કારગર ઉપાય છે?
 
ન્યૂક્લિયર ડેટેરેન્ટ એટલે પરમાણુ હુમલો પ્રતિરોધકનો અર્થ છે કે તમે એટલી મોટી સંખ્યામાં પરમાણુ હથિયાર તૈયાર રાખો જે તમારા દુશ્મનને નષ્ટ કરવા માટે પૂરતાં હોય. આવું હશે તો તમારો વિરોધી તમારી પર હુમલો નહીં કરે.
 
આના માટે અંગ્રેજીમાં એક કહેવત છે જેને MAD કહે છે એટલે મ્યુચ્યુઅલી એશ્યોર્ડ ડિસ્ટ્રક્શન.
 
1945 પછી પરમાણુ હથિયારોની તકનીક અને તબાહી કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે પરંતુ રાહતની વાત એ છે કે ત્યાર બાદ તેનો ઉપયોગ થયો નથી.
 
રશિયાની પરમાણુ નીતિ પણ પોતાનાં હથિયારોને ડેટેરેન્ટના રૂપમાં સ્વીકાર કરે છે. રશિયાનું કહેવું છે કે એ નીચે આપવામાં આવેલી ચાર પરિસ્થિતિઓમાં જ પરમાણુ હથિયારો વપરશે.
 
રશિયન ફેડરેશન અથવા તેના સહયોગીઓ પર બૅલેસ્ટિક મિસાઇલનો હુમલો
રશિયન ફેડરેશન અથવા તેના સહયોગીઓ પર પરમાણુ હુમલો
રશિયાની સેના અને સરકારી સ્થળો પર હુમલો જેનાથી તેની પરમાણુ શક્તિને ખતરો હોય
રશિયન ફેડરેશન વિરુદ્ધ સામાન્ય હથિયારોથી એવો હુમલો જેનાથી રાજ્યના અસ્તિત્વને ખતરો હોય.
એટલે સુધી કે પુતિનની ધમકી પણ એ ચેતવણી છે. આ તેમના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ઇચ્છા નથી દર્શાવતું. પરંતુ યુદ્ધ દરમિયાન પોતાના દુશ્મનથી થનાર રિસ્કના ખોટા આકલનથી પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે.
 
શું આ ચિંતિત કરનારી પરિસ્થિતિ છે?
 
બ્રિટનના વિદેશ મંત્રી બૅન વૅલેસે બીબીસી ન્યૂઝને કહ્યું કે બ્રિટને અત્યાર સુધી રશિયન પરમાણુ હથિયારોને વાસ્તવિક સ્થાનથી હરકત કરતાં નથી જોયાં. ગુપ્તચર સૂત્રો અનુસાર આની પર નજર રાખવામાં આવી રહી છે.
 
રશિયાની સરખામણીમાં કયા દેશો પાસે કેટલાં હથિયારો છે?
 
કોની પાસે કેટલાં પરમાણુ હથિયાર છે?
 
દુનિયામાં હાલ નવ દેશ પાસે પરમાણુ શસ્ત્ર છે.
 
એ દેશ છે - અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા.
 
કેટલી સંખ્યા છે એની?
 
એમ તો પરમાણુ શસ્ત્રની બાબતમાં કોઈ પણ દેશ ખૂલીને વાત નથી કરતા પરંતુ એવું માનવામાં આવે છે કે પરમાણુશક્તિસંપન્ન દેશોની સેનાની પાસે 9 હજારથી વધારે પરમાણુ શસ્ત્રો છે.
 
સ્વિડનસ્થિત સંસ્થા થિંક ટૅક 'સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (સિપ્રી)એ ગયા વર્ષે એક રિપોર્ટમાં જણાવેલું કે 2020ના આરંભમાં આ 9 દેશોની પાસે લગભગ 13,400 પરમાણુ શસ્ત્રો હતાં, જેમાંથી 3,720 એમની સેનાઓની પાસે તૈનાત હતાં.
 
સિપ્રી અનુસાર એમાંથી લગભગ 1,800 હથિયાર હાઈ એલર્ટ પર રહે છે, અર્થાત્ એમને ઓછા સમયની અંદર જ છોડી શકાય છે.
 
આ હથિયારોમાં મોટા ભાગનાં અમેરિકા અને રશિયાની પાસે છે. સિપ્રીના રિપૉર્ટ અનુસાર, 2020 સુધી અમેરિકા પાસે 5,800 અને રશિયાની પાસે 6,375 પરમાણુ શસ્ત્ર હતાં.
 
શું હોય છે પરમાણુ હથિયાર?
 
એ અતિશય શક્તિશાળી વિસ્ફોટક કે બૉમ્બ છે.
 
પરમાણુના નાભિકીય કે ન્યૂક્લિયર કણોને તોડવા અથવા ફરીથી એને જોડવાથી આ બૉમ્બને શક્તિ મળે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સંલયન (જોડાણ) અથવા વિખંડન કહેવામાં આવે છે.
 
પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી મોટી માત્રામાં રેડિયેશન કે વિકિરણ નીકળે છે અને તેથી ધડાકો થયા પછી એની અસર લાંબા સમય સુધી રહે છે.
 
પરમાણુ હથિયારોનો ઉપયોગ થયો છે?
 
અત્યાર સુધીમાં દુનિયામાં બે વાર પરમાણુ બૉમ્બથી હુમલા કરવામાં આવ્યા છે, જેનાથી ભયંકર નુકસાન થયું છે.
 
આજથી 77 વર્ષ પહેલાં એ બંને હુમલા અમેરિકાએ કર્યા હતા, જ્યારે એણે જાપાનનાં બે શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા.
 
અમેરિકાએ 6 ઑગસ્ટે જાપાનના હિરોશિમા શહેર પર અને 9 ઑગસ્ટે નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા.
 
એવું માનવામાં આવે છે કે હિરોશિમામાં 80 હજાર અને નાગાસાકીમાં 70 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે?
 
સિપ્રીના રિપોર્ટ અનુસાર પરમાણુ હથિયારની બાબતમાં ભારતના પડોશી દેશ ચીન અને પાકિસ્તાન એનાથી ઘણા આગળ છે.
 
રિપૉર્ટ અનુસાર 2021 સુધીમાં ભારતની પાસે 150 પરમાણુ શસ્ત્ર હતાં, તો પાકિસ્તાન પાસે 160 અને ચીન પાસે 320 પરમાણુ શસ્ત્ર હતાં.
 
આ નવ દેશો પાસે કેટલા પરમાણુ હથિયાર છે?
 
1970માં 190 દેશ વચ્ચે પરમાણુ શસ્ત્રની સંખ્યા સીમિત કરવા માટે એક સંધિ કરવામાં આવી હતી જેનું નામ છે પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે એનપીટી.
 
અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન પણ એમાં સામેલ હતા. પરંતુ ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલે એના પર હસ્તાક્ષર નહોતા કર્યા અને ઉત્તર કોરિયા 2003માં એનાથી અલગ થઈ ગયું.
 
આ સંધિ અંતર્ગત માત્ર 5 દેશને પરમાણુ શસ્ત્રસંપન્ન દેશ માનવામાં આવ્યા જેમણે સંધિ અમલમાં મૂકવા માટે નક્કી કરાયેલા વર્ષ 1967 પહેલાં જ પરમાણુ શસ્ત્રોનાં પરીક્ષણ કરી લીધાં હતાં.
 
એ દેશ હતા - અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન.
 
સંધિમાં કહેવામાં આવેલું કે આ દેશો હંમેશ માટે પોતાનાં શસ્ત્રોનો સંગ્રહ નહીં કરી શકે અર્થાત્ એમણે એને ઓછાં કરતાં જવું પડશે.
 
સાથે જ આ દેશો સિવાયના જેટલા પણ દેશો છે એમના પર પરમાણુ શસ્ત્રોનું નિર્માણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
 
આ સંધિ પછી અમેરિકા, બ્રિટન અને રશિયાએ પોતાનાં હથિયારોની સંખ્યામાં કાપ મૂક્યો.
 
પરંતુ કહેવાય છે કે ફ્રાન્સ અને ઇઝરાયલનાં હથિયારોની સંખ્યા જેમની તેમ રહી.
 
બીજી તરફ ભારત, પાકિસ્તાન, ચીન અને ઉત્તર કોરિયા વિશે ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સે કહ્યું કે આ દેશો પોતાનાં પરમાણુ હથિયારોની સંખ્યા વધારતા જાય છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર