તંત્ર-મંત્ર સાધના માટે જાણીતું કામરૂપ કામાખ્ય(ગૌહાટી)માં શક્તિ દેવી કામાખ્યના મંદિરમાં દર વર્ષે યોજાતા 'અંબુવાસી' મેળાને કામરૂપનો કુંભ માની શકાય છે. આની અંદર ભાગ લેવા માટે દેશભરના સાધુઓ અને તાંત્રિકો એકઠા થઈ જાય છે.
આમ તો આ મેળો 22 થી 25 જુન સુધી જ ચાલે છે પરંતુ તેની અંદર ભાગ લેવા માટે એક અઠવાડિયા પહેલા જ સાધુ સંતોનું આગમન શરૂ થઈ જાય છે. શક્તિના આ સાધક નીલાચલ પર્વત (જેની પર માતા કામાખ્યનું મંદિર આવેલ છે)ની જુદી જુદી ગુફાઓમાં બેસીને સાધના કરે છે. અંબુવાસી મેળા દરમિયાન ત્યાં ખુબ જ વિચિત્ર હઠયોગીઓ પહોચે છે.
કોઈ પોતાની દસ-બાર ફુટ લાંબી જટાઓને કારણે કૌતુહલનું કારણ બને છે, કોઈ પાણીમાં બેસીને સાધના કરે છે, તો કોઈ એક પગ પર ઉભા રહીને. આ ચાર દિવસ દરમિયાન અહીંયા ચાર થી પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ પહોચે છે. આટલો મોટો ધાર્મિક મેળાવડો પૂર્વોત્તરમાં બીજે ક્યાંય પણ નથી થતો.
એવી માન્યતા છે કે 'અંબુવાસી મેળા' દરમિયાન માઁ કામાખ્યા દેવી રજસ્વલા થાય છે. જ્યોતિષશાસ્ત્રને અનુસાર સૌર અષાઢ મહિનામાં મૃગશિરા નક્ષત્રનો તૃતીય ચરણ પસાર થયા બાદ આદ્રા પદના મધ્યમાં પૃથ્વી ઋતુવતી થાય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના ચક્રથી ખંડ ખંડ થયેલ સતીના શરીરનો યોનીનો ભાગ નીલાચલ પર્વત પર પડ્યો હતો.
એકાવન શક્તિપીઠોમાંની કામાખ્ય મહાપીઠને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. એટલા માટે કામાખ્ય મંદિરમાં માતાની યોનીની પૂજા થાય છે. તેથી કામાખ્ય મંદિરના ગર્ભગૃહમાં ફોટો લેવાની મનાઈ છે. એટલા માટે અહીંયા ત્રણેય દિવસો સુધી મંદિરની અંદર પ્રવેશ કરવાની મનાઈ હોય છે. ચોથા દિવસે જ્યારે મંદિરના દ્વાર ખુલે છે અને વિશેષ પૂજા થાય છે ત્યાર બાદ ભક્તોને દર્શનનો અવસર મળે છે.
આમ પણ કામાખ્ય મંદિર પોતાની ભૌગોલીક વિશેષતાઓને લીધે સારૂ પર્યટન સ્થળ છે અને વર્ષ દરમિયાન લોકોની અવર જવર પણ ચાલુ જ હોય છે. આ પર્વત બ્રહ્મપુત્રા નદીની સાથે એકદમ જોડાયેલ છે. કામાખ્ય દેવત્તર બોર્ડના પ્રશાસનિક અધિકારી ઋજુ શર્માને અનુસાર આટલા બધા લોકો એકસાથે આવવાને લીધે વ્યવસ્થાને સંભાળવી મુશ્કેલ થઈ જાય છે. તેથી જીલ્લા પ્રશાસનની મદદ લેવી પડે છે. તે દરમિયાન ખાનગી વાહનોના પ્રવેશ પર રોક લાગી જાય છે.
આ મેળાને આસામની કૃષિ વ્યવસ્થાની સાથે પણ જોડવામાં આવે છે. ખેડૂત પૃથ્વી ઋતુવતી થાય ત્યાર પછી જ ધાનની ખેતીની શરૂઆત કરે છે.