અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એકશન પ્લાન પાછળ રૂપિયા ૧૦ કરોડનું આંધણ છતાં સમસ્યા હલ થતી નથી
સોમવાર, 18 જૂન 2018 (14:43 IST)
મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાય રહી છે.ત્યારે અમદાવાદ મનપાના પ્રિ-મોન્સૂન એકશન પ્લાનને સફળ બનાવવો મનપાના નવા શાસકો માટે પડકારરૂપ છે.ગત વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં રોડ રસ્તા તૂટી જતા અને રોડ પર વરસાદી પાણી ભરાતા વિકાસ ગાંડો થયાનો સંદેશ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો.આ વખતે પણ પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર ન રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈને નાગરિકો મુશ્કેલીમાં મુકાય નહીં તે માટે પ્રિ-મોન્સૂન એકશન પ્લાન બનાવવામાં આવે છે. પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની પાછળ અંદાજે રૂ.૧૦ કરોડનું આંધણ કરવામાં આવે છે. તેમ છતાં કેચપીટ અને મેનહોલની સફાઈ મહદંશે ઓનલાઈન કરાતી હોઈ દર વર્ષે વરસાદી પાણીમાં આ પ્લાન ધોવાઈ જાય છે. આ વખતે શહેરના નવા શાસકો સમક્ષ પ્રિ-મોન્સૂન એકશન પ્લાનને સફળ બનાવવાનો પડકાર ઊભો છે. શહેરનાં નવા મેયરપદે બિજલબહેન પટેલ આરુઢ થયાં છે. તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે અમૂલ ભટ્ટે ફરજ સંભાળી લીધી હતી. શહેરના આ નવા શાસકો આગામી ઓકટોબર ર૦ર૦ સુધી સત્તાનાં સૂત્રો સંભાળશે. નવા શાસકો સમક્ષ શહેરીજનોને કનડતી ભંગાર રોડની સમસ્યા, ગંદકી જેવી અન્ય સમસ્યાઓના નિરાકરણની સાથે સાથે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનને ખરા અર્થમાં સફળ બનાવવાની કપરી જવાબદારી પણ છે. અગાઉના મેયર ગૌતમ શાહે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શહેરમાં કુલ ૪ર,પ૧૧ કેચપીટ અને ૧,૪૩,૯ર૧ મેનહોલ હોઈ તેની સફાઈનો બીજો રાઉન્ડ પૂર્ણ કરાયો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના તત્કાળ નિકાલ માટે નવા ૬પ૮૦ કેચપીટ બનાવાયા હોઈ બંને રાઉન્ડ મળીને કુલ પ૭,૦૦૦થી વધુ કેચપીટની સફાઈ કરાઈ હોવાનો તંત્રનો દાવો છે. બીજી તરફ નવી સ્ટોર્મ વોટર લાઈન નાખવાના કામમાં વિલંબ થઈ રહ્યો છે. નવનિયુકત મેયર બિજલબહેન પટેલના પાલડી વોર્ડના ધરણીધર ચાર રસ્તા, વિકાસ ગૃહ, અશોકનગર, ઓપેરા સોસાયટી જેવા વિસ્તાર વર્ષોથી વરસાદી પાણીથી જળબંબાકાર થતા હોવા છતાં તંત્ર દ્વારા સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવતી નથી.