લોકો સહભાગી થશે. તે ઉપરાંત સમગ્ર રાજ્યમાં સવા કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. તે ઉપરાંત મુખ્યમંત્રી સવારે 6.30 કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજયના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 18 જેટલાં ઐતહાસિક સ્થળો, 17જેટલાં ધાર્મિક સ્થળો, 22 જેટલાં પ્રવાસન સ્થળો, 17 જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો 'યોગમય ગુજરાત' અભિયાનમાં સહભાગી થશે.રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે.આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ,આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે.