પર્યાવરણ દિવસે રાજકોટમાં લેવાયો મહત્વનો નિર્ણય, શું ગુજરાતમાં લેવાશે?
મંગળવાર, 5 જૂન 2018 (11:33 IST)
છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના મોટા શહેરોમાં પાણીના પાઉચનો ઉપયોગ વધ્યો છે. લોકો પાણીના પાઉચનો ઉપયોગ કરી જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર બેજવાબદારીથી ફેંકી દેતા હોવાથી શહેરની સ્વછતા જોખમાય છે. તેમજ આવા પ્લાસ્ટિક પશુઓના પેટમાં જવાથી અનેક સમસ્યાઓ ઉદભવે છે. જેને લઇને ગુજરાતમાં સૌ-પ્રથમ રાજકોટ શહેરમાં પર્યાવરણ દિવસથી પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મેયર અને કોર્પોરેશન કમિશ્નર દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ પ્રકારનો નિર્ણય ગુજરાત ભરમાં સર્વ પ્રથમ રાજકોટમાં લેવાયો છે. આ ઉપરાંત શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનમાં તથા પાણીની લાઈનમાં આવા ખાલી પાઉચ ફસાઈ જવાથી પાણીનો નિકાલ અટકી જાય છે. આવી લાઈનમાં ફસાયેલા ખાલી પાઉચ કાઢવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે. તેમજ જાહેર આરોગ્ય સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આનાથી સ્વચ્છ નાગરિક જીવનમાં ઉપદ્રવ ઊભો થાય છે જે અટકાવવો ઘણો જ જરૂરી છે. ત્યારે આવી પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-1949 ની કલમ 376/એ હેઠળ મળેલ સત્તાઓની રૂએ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરના 48 જાહેર માર્ગો તથા મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેંચાણ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરી એ અંગે એક જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાવ્યું છે.