હવે કોલેજનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ઘરેથી કામ કરી શકશે

મંગળવાર, 7 જુલાઈ 2020 (15:38 IST)
રાજયની યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હવે ઘરેથી પણ કામ કરી શકશે. તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં સેક્રેટરી અમિત ખારેએ શિક્ષકો, સંશોધકો સહિતની સુરક્ષાને ધ્યાને લઈને ઈશ્યુ કરેલાં પત્ર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સ્ટાફ જુલાઈ 31 સુધી ઘરેથી કામ કરી શકશે. રાજય સરકારની સૂચના મુજબ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને મોબાઈલ અને ઈ-મેઈલ દ્વારા સતત સંપર્કમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘અગાઉ ઓનલાઈન કલાસ માટે પણ શિક્ષકોને સંસ્થામાં આવવું પડતુ હતું. જો કે આ નિર્ણય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તકેદારીના આધારે લેવામાં આવ્યો છે.’ તેમ શિક્ષણનાં પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્માએ જણાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન તમામ શિક્ષણ અને બિન શિક્ષણ કર્મચારીઓની હાજરી અગાઉની જેમ જ ગણવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ ફેકલ્ટીના સભ્યો, શિક્ષકો, સંશોધકોએ વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાનો રહેશે. તમામ ફેકલ્ટી દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. જો કે વાઈસ-ચાન્સેલર દ્વારા આ નિર્ણયને લઈને શંકા દર્શાવવામાં આવી હતી. ‘હાલના સમયમાં તમામ લોકો પાસે લેપટોપ અને ઈન્ટરનેટની ફેસેલીટી હોય જ છે. ઘરેથી ને કામ કરવાથી તેઓ ખુદને સુરક્ષિત રાખી શકશે.’ તેવું એક સરકારી કોલેજનાં પ્રોફેસરે જણાવ્યું હતું. સંસ્થાના તમામ સ્ટાફ ઘરેથી જ કામ કરશે તેવું કહી ન શકાય. સૂચનામાં એક એવી પણ પ્રોવિઝન હશે કે જેમાં જરૂરિયાત પ્રમાણે ઓથોરીટી સ્ટાફને કોલેજે બોલાવી શકશે.’ તેવું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)નાં વાઈસ-ચાન્સેલર નવિન શેઠે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 480 કરતાં વધુ ટેકનીકલ કોલેજ ધરાવતી જીટીયુએ રાજયની સૌથી મોટી કોલેજમાંની એક છે. જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના મોબાઈલમાં ફરજીયાત આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ જેથી સંભવિત ઈન્ફેકશનનું જોખમ ટાળી શકાય. વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા હજુ બાકી છે તેમ છતાં જૂનથી ઓનલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત એડમીશનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. આ વર્ષે એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર