નવરંગપુરામાંથી ગુમ થયેલ વૃષ્ટિ અને શિવમ ઉત્તર ભારતમાંથી મળ્યા, ક્રાઈમ બ્રાંચ લઈને અમદાવાદ આવી રહી છે
શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (12:52 IST)
ચર્ચીત બનેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. ઘણી શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર ભારતથી બંનેને શોધી કાઢ્યા છે. અત્યારે આ બંને જણા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે છે અને તેઓ બંનેને લઈને અમદાવાદ પરત આવવા રવાના થઈ ચૂક્યા છે.
બે દિવસ પહેલાં જ વૃષ્ટિના ઈમેઈલ આઈડી પરથી તેની માતાને એક ઈમેલ આવ્યો હતો. આ ઇમેઇલ વૃષ્ટિએ તેની માતાને લખ્યો છે જેમાં તેને નોકરી મળી ગઇ છે ઉપરાંત માફી પણ માગી હતી. વૃષ્ટિના નામે ઈમેલ મળતા નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી એડ્રેસના આધારે ક્યાંથી ઈમેલ થયો છે તેની તપાસ હાથ ધરી હતી. આ અગાઉ પોલીસને શોધખોળમાં મહત્વની કડીઓ મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે એક ઇમેઇલ લાગ્યો હતો. આ ઇમેઇલ વૃષ્ટિએ તેની માતાને લખ્યો છે જેમાં તેને નોકરી મળી ગઇ છે ઉપરાંત માફી પણ માગી છે. જોકે, ઇમેઇલમાં શિવમ પટેલનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.
વૃષ્ટિએ તેની માતાને મોકલેલા આ ઇ-મેઇલમાં કોઇ વાત પર ચર્ચા કરી હતી જેમાં તેને લખ્યું કે,‘કાંઈક એવી વાત હતી જેની સાથે જીવી શકું એમ નહોતું. માતા પિતા વિદેશ ગયા બાદ કોઈ ખોટો અનુભવ થયો હતો જે બતાવ્યા છતાં ન્યાય ન મળી શકતો આ રસ્તો અપનાવ્યો છે. પપ્પા કાયમ મારી સાથે છે અને એક દિવસ ખ્યાલ આવશે કે આવું પગલું કેમ ભર્યું. અમદાવાદની 23 વર્ષીય યુવતી વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ 8 દિવસથી ગુમ થઇ છે. વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવાના મામલે શહેર પોલીસ કમિશનરે ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
સમગ્ર કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદ લેવામાં આવી છે. તો નવરંગપુરા પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમ સમગ્ર કેસની તપાસમાં જોતરાઈ છે. આ કેસની તપાસ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ કરી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એકથી વધુ ટીમ કાર્યરત કરાઈ છે, ટેકનિકલ સેલની પણ મદદ લેવામાં આવી છે.
શિવમ પટેલ અને વૃષ્ટિ બંને ઉવારસદ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા હતા. વૃષ્ટિના ડ્રાઈવરે બે દિવસ સુધી વૃષ્ટિનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ સંપર્ક ન થતા ડ્રાઈવરે વૃષ્ટિના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. મોડી સાંજ સુધી સમગ્ર કેસમાં સફળતા મળે તેવી શક્યતા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ મામલે અભિનેત્રી સોહા અલી ખાને પણ ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરીને યુવતીને શોધવામાં મદદ થવા રજૂઆત કરવામાં આવી હતી.