મહેસાણાના કુકસ ગામે ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના લગ્ન કરાવી વિદાય આપી

શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (09:31 IST)
મહેસાણાના કુકસમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થી પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ ગ્રામજનોએ સહભાગી બની ગામની દીકરીની માફક લગ્ન કરાવી, કરિયાવર આપી દીકરીને રંગેચંગે વિદાય આપી હતી. કુકસ ગામના ખરાબામાં 4 વર્ષથી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના 15 પરીવાર રહે છે. ચેતનભાઈ સુરાભાઈ ઠાકોરની દીકરી રામબાઈના રાધનપુરના સુલતાનપુરા ગામના આંબાભાઈ સાથે લગ્ન યોજાયા હતા. મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોવાથી આર્થિક સ્થિતિ સારી નહી હોવાના કારણે પરિવાર દિકરીના લગ્ન કરવા મૂંઝવણ અનુભવતો હતો. કુકસના સેંધાભાઈ ચૌધરીને પરીવારની કફોડી સ્થિતિની જાણ થતાં ગ્રામજનોને ભેગા કરીને લગ્નની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી. ગામના ખરાબામાં રહેતા શરણાર્થીઓના ઘર પાસે લગ્ન સમારંભ ગોઠવીને રાધનપુરના સુલતાનપુરાથી આવેલી પાકિસ્તાની હિન્દુ શરણાર્થી પરિવારની જાનનુ સામૈયુ કરી, જમણવાર કરીને લગ્ન સંપન્ન કરીને દિકરી સાથે જાનને વળાવી હતી. સાસરે જતી રામબાઈના પિતા ચેતનભાઈ ઠાકોરે ગ્રામજનોએ કરેલી વ્યવસ્થાથી ગદગદિત થઈને આભાર વ્યક્ત કર્યો હતો. કુકસના સેંધાભાઈ ચૌધરીએ કહ્યુ કે, પાકિસ્તાનથી ભાગીને આવેલો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોવાથી લગ્ન કરવા માટે મૂંઝવણ અનુભવતો હતો.જેથી લોકો પાસેથી સહયોગ મેળવી દિકરીને પરણાવી વિદાય આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર