ધારાસભ્ય વિક્રમ માડમનાં કોંગ્રેસ પ્રત્યે નારાજગી દર્શાવતા ઓડિયોથી રાજકારણમાં ખળભળાટ

શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:56 IST)
અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાર્ટીના વધુ એક સિનિયર નેતાની નારાજગી સામે આવી છે.

વિક્રમ માડમની નારાજગી સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું ખરેખર તેઓ નારાજ છે? શું તેઓ પાર્ટી છોડશે ? આ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે. બીજી બાજુ આયાતી નેતાઓને પાર્ટીમાં શામેલ કરવા અને મંત્રી બનાવી દેવાને લઈને ભાજપમાં પણ ભારોભાર અસંતોષ વ્યાપી રહ્યો છે.

જામનગર જિલ્લાના એક કોંગ્રેસી કાર્યકરે વિક્રમ માડમ સાથે કરેલી વાતચીતની ઓડીયો કલીપ ગઇકાલથી વાયરલ થઇ રહી છે. આ ઓડીયો કલીપમાં કાર્યકર દ્વારા વિક્રમભાઇને એવું પુછતા દર્શાવાયા છે કે તમે રાજીનામુ આપવાના છો? કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવામાં છો? જો તમે કોંગ્રેસ છોડશો તો અમારા જેવા કાર્યકરો કે જેઓ તમારી નેતાગીરી ઉપર આધાર રાખે છે તેઓને પણ કોંગ્રેસ છોડવી પડશે. આ પ્રશ્ર્નો સામે માડમ એવો જવાબ આપતા સંભળાય છે કે, હું કેટલાક પ્રશ્ર્નો પ્રદેશ પ્રમુખને કરવાનો છું તેમની પાસે મારા પ્રશ્ર્નોનો જવાબ નહીં હોય તેથી કદાચ મને પક્ષમાંથી કાઢી મુકે અથવા મારે સ્વમાનભેર કોંગ્રેસ છોડી દેવાનો સમય આવે તેવી પણ શકયતા છે, પરંતુ હું એટલુ ચોકકસ કહી શકું કે હું કદી ભાજપમાં જઇશ નહીં. 

જોકે રાહુલ ગાંધીની ૧૦ દિવસ બાદ રાજકોટની મુલાકાત વેળાએ સૌરાષ્ટ્રના નારાજ નેતાઓને રુબરૂ બોલાવવામા આવશે તેવું કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર