વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલનો ભોગ લીધો

મંગળવાર, 14 માર્ચ 2017 (12:43 IST)
ચાલુ વર્ષે ગુજરાતમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજવા રાજ્ય સરકારે આયોજન કર્યું હતું પણ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટને લીધે આખોય કાર્યક્રમ રદ કરાયો છે. રાજ્ય પ્રવાસન વિભાગે વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટનું ગ્રહણ નડયુ હોવાનું કારણ દર્શાવ્યું છે. ગુજરાતમાં ઘણાં સ્થળો બોલિવુડની ફિલ્મોનું શુટિંગ થયું છે. આ ઉપરાંત ટુરિઝમ વિભાગે બોલિવુડના નિર્માતાઓને પણ ફિલ્મોના શુટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

ખાસ નિતી ઘડીને ફિલ્મ નિર્માતાઓને સુવિધા આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે પણ પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતમાં યોજના નક્કી કર્યું હતું જેના ભાગરૃપે વર્ષ ૨૦૧૬-૧૭માં બજેટમાં રૃા.૧૦ કરોડની ખાસ નાણાંકીય જોગવાઇ પણ કરવામાં આવી હતી. આખાય વર્ષ દરમિયાન આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે કઇં થઇ શક્યુ ન હતું. આખરે વર્ષ ૨૦૧૭ના પ્રારંભમાં ફિલ્મ ફેસ્ટિવલ કરવા વિચારણા થઇ હતી પણ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ-૨૦૧૭માં હોવાને લીધે અધિકારીઓથી માંડીને મંત્રીઓ તેમાં વ્યસ્ત રહ્યાં હતાં. પરિણામે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ શક્યો ન હતો. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દે પ્રશ્ન પૂછાતાં પ્રવાસન મંત્રીએ નિખાલસપણે એવી કબૂલાત કરી હતી કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લીધે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવો પડયો છે. આમ, હજુ સુધી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિલ યોજવા માટેની ગ્રાન્ટ પડી રહી છે. આ ફિલ્મ ફેસ્ટિવલ હવે કયારે યોજાશે તે હાલ પ્રવાસન વિભાગના અધિકારીઓને પણ ખબર નથી. ઉલ્લેખનીય છેકે, મહાત્મા મંદિરમાં પણ ફિલ્મ નિર્માતાઓ સાથે પ્રવાસન વિભાગે વાર્તાલાપ યોજ્યો હતો પણ તેમાંયે કોઇ પરિણામ આવી શક્યું નથી.

વેબદુનિયા પર વાંચો