સનસ્ટાર ક્લબના વિવાદમાં ક્રિકેટર કપિલ દેવ અને ફિલ્મ સ્ટાર ગોવિંદાને ગ્રાહક કોર્ટની ફટકાર

મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (12:06 IST)
સન સ્ટાર ક્લબના નામે ગ્રાહકો પાસેથી મેમ્બરશિપના બહાને કરોડની રકમ ઠગાઇ કરી હોવાના કિસ્સામાં વડોદરામાં ગ્રાહક કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ ક્લબની મામેલે ભોગ બનેલી અઢાર ગ્રાહકો દ્વારા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ગ્રાહક કોર્ટે ક્લબના ડાયરેક્ટરો ઉપરાંત ક્લબની જાહેરાત કરનાર ફિલ્મ સ્ટાર ગોવિંદા તેમજ રવિ કિશન અને ક્રિકેટર કપિલ દેવને ગ્રાહકોનું લેણુ ચુકવવા માટે આદેશ આપ્યો હતો.
વડોદરા, અમદાવાદ, ઇન્દોર સહિત દેશના અનેક શહેરોમાં સન સ્ટાર ક્લબ નામે રમણ કપૂરે વૈભવી ઓફિસો ખોલી હતી.  ક્લબના મેમ્બર બનાવવાના બહાના હેઠળ અનેક લોકો પાસેથી કરોડની રકમ મેળવી હતી. જો કે, ત્યાર બાદ સંચાલકે ક્લબની ઓફિસને તાળાં મારી દેતાં અનેક લોકોની માતબર રકમ ફસાઇ જવા પામી છે. વડોદરમાં પણ મોટી સંખ્યામાં લોકો સન સ્ટાર ક્લબનાં મેમ્બર બન્યાં હતાં અને તેમને પણ નાણાં ગુમાવવાનાં આવતાં તેમણે ગોત્રી તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ આપી હતી.
જે પૈકી ૧૮ ગ્રાહકોએ જાગૃત નાગરિક સંસ્થામાં પણ અરજી કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી પી.વી. મુરજાણીએ કંપનીના ડાયરેક્ટર, જોઇન્ટ ડાયરેક્ટર તેમજ સન સ્ટાર ક્લબ માટે પ્રચાર-પ્રસાર કરનાર  ફિલ્મ કલાકાર ગોવિંદા અને રવિ કિશન તેમજ ક્રિકેટર કપિલ દેવને નોટિસ મોકલીને ગ્રાહકોના નાણાં પરત કરવાની તાકીદ કરી હતી. આ નોટિસ આપ્યાના 30 દિવસ બાદ નાણાં પરત ચૂકવવામાં ન આવતાં આખરે ગ્રાહક કોર્ટમાં ૧૮ ગ્રાહક વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે મામલે ગ્રાહક કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ ૧૮ ગ્રાહકોને સેલીબ્રીટીએ ૧૫ હજારના લેખે ચુકવણું કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેટલા નાણાં મેમ્બરશીપના નામે ભર્યા હશે તે તમામ નાણાં નવ ટકા વ્યાજ સાથે પરત કરવા માટે કંપનીના ડાયરેક્ટર રમણકપૂર અને સમી કપૂરને તાકીદ કરી છે. તેમજ તમામ ફરીયાદીઓને વીસ હજાર ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હોવાનું પી.વી.મૂરજાણીએ જણાવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર