વડોદરામાં ધો-10નો વિદ્યાર્થી અને ધો-9ની વિદ્યાર્થિની લગ્નના ઈરાદે ફરાર

ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (15:41 IST)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકના હદમાં આવેલા ગામના ધો-10ના વિદ્યાર્થી અને ધો-9ની વિદ્યાર્થિની વચ્ચે ઓનલાઈન અભ્યાસ દરમિયાન પ્રેમ થયો હતો. ત્યાર બાદ સગીર પ્રેમી-પંખીડા લગ્ન કરવાના ઇરાદો ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે, એક સપ્તાહ પૂર્વે વડોદરા નજીક આવેલા એક ગામના ફરાર થઇ ગયેલા સગીર પ્રેમી-પંખીડા હજી પોલીસને મળી આવ્યા નથી. પરિવાર દ્વારા પોતાના સંતાનોને કુમળીવયે આપી દેવામાં આવતા મોબાઇલ ફોન ખતરારૂપ સાબિત થઇ રહ્યા છે.ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં રહેતો સગીર રાહુલ(નામ બદલ્યું છે) ધોરણ-10માં અભ્યાસ કરે છે અને તેના જ ફળીયામાં રહેતી સગીર રેખા(નામ બદલ્યું છે) ધો-9માં અભ્યાસ કરે છે. સગીર રાહુલ અને રેખા એક જ ફળિયામાં રહેતા હોવાથી અને સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. કોરોના મહામારીના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ હોવાથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા. મોબઇલ ફોનમાં ઓનલાઇન અભ્યાસની સાથે રાહુલ અને રેખા સોશિયલ સાઇટનો ઉપયોગ કરીને પ્રેમની વાતો કરતા હતા, પરંતુ, સ્કૂલો બંધ હોવાથી રોજ મળી શકતા ન હતા. રાહુલ અને રેખાનું પ્રેમ પ્રકરણ ફળીયામાં અને મિત્રોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. એતો ઠીક તેઓના પ્રેમ પ્રકરણની વાતો બંનેના પરિવાર સુધી પણ પહોંચી ગઇ હતી. જેથી પરિવારજનો દ્વારા પણ કેટલાક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં પાગલ બનેલા રાહુલ અને રેખા ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ બંને માટે મળવું અને ફોન ઉપર વાતચીત કરવી મુશ્કેલ થઇ ગઇ હતી. દરમિયાન બંનેએ ભાગી જવાનો પ્લાન કર્યો હતો અને 4 જાન્યુઆરીના રોજ રાહુલ અને રેખા પરિવારને જાણ કર્યા વિના પૂર્વ આયોજન પ્રમાણે રફૂચક્કર થઇ ગયા હતા. રાહુલ અને રેખા ફરાર થઇ ગયા હોવાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ ફરાર થઇ ગયેલા રાહુલ અને રેખાની બંનેના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ, તેઓ મળી આવ્યા ન હતા.દરમિયાન રેખાના પરિવારજનોએ ભાદરવા પોલીસ મથકમાં રાહુલ લગ્ન કરવાના ઇરાદી સગીર રેખાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા સગીર પ્રેમી-પંખીડા રાહુલ અને રેખા કોઇ અજુગતુ પગલું ભરી લે તે પહેલાં શોધી લાવવા માટે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને રાહુલ અને રેખા અંગેના હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી. બીજી બાજુ ફરાર થઇ ગયેલા રાહુલ અને રેખાનો કોઇ પત્તો ન મળતા પરિવારજનો પણ ચિંતાતૂર બન્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર