પીએમ મોદી વડનગરમાં જે કિટલી પર કામ કરતાં હતાં તે કિટલી વિદેશી પર્યટકો માટે ખુલ્લી મુકાશે

મંગળવાર, 4 જુલાઈ 2017 (14:29 IST)
વડનગર ખાતે પીએમ મોદી જે ચાની કિટલી પર કામ કરતાં હતાં તે કીટલી પણ હવે વિશ્વમાં પ્રચલિત થઈ જશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ કિટલીને હવે વિદેશી પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવશે તથા તેમાં પીએમ મોદીની ફોટો ગેલેરી પણ મુકવામાં આવશે. મહેસાણા જિલ્લામાં સ્થિત પીએમ મોદીનું જન્મ સ્થળ વડનગરને દુનિયાના નક્શા પર લાવવાના પ્રયાસ સાથે આ યોજના અમલમાં મુકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને રાજ્યના પહેલા ડિજિટલ તાલુકા તરીકે વિકસાવવાનું વિજય રૂપાણી સરકારે નક્કી કર્યું છે.

કેન્દ્રના મિશન મોડ-ડિજિ-ગામ પ્રોજેક્ટ હેઠળની આ યોજના દેશમાં સૌથી પહેલી ગુજરાતમાં સાકાર કરવા રાજ્યના પંચાયત વિભાગના સંકલનમાં વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી, શિક્ષણ, આરોગ્ય જેવા વિભાગો ઝડપી કવાયત કરી રહ્યાં છે. વડનગર તાલુકાના તમામ 43 ગામોમાં આ પ્રોજેક્ટ હેઠળ ટેલિ-મેડિસિન સેવા દ્વારા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધા, ટેલિ-એગ્રિ સપોર્ટ સેવા દ્વારા કૃષિવિષયક તમામ જાણકારી-સહાય તથા ટેલિ-એજ્યુકેશન સેવા દ્વારા વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયોના શિક્ષકોનું ટયૂશન ઉપલબ્ધ કરાશે. જ્યારે સ્કિલ સેન્ટર દ્વારા સ્થાનિક રોજગારી માટે દ્યોગિક એકમો સાથે લિંક-અપ ગોઠવાશે. તદુપરાંત પ્રત્યેક ગામમાં સોલાર ઊર્જા ઉત્પાદન માટે પેનલો ગોઠવાશે અને ૫૬ ઈંચનું એલઈડી ટીવી જાહેર જનતા માટે મૂકવામાં આવશે.સૂત્રો કહે છે કે, અત્યારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં વી-સેટના માધ્યમથી ઈન્ટરનેટ-કમ્પ્યૂટર સેવા ઉપલબ્ધ છે. એટલે આ નેટવર્કથી ડિજિ-ગામની નવી યોજના કદાચ દેશમાં સૌ પ્રથમ ગુજરાત ખાતે સાકાર થશે. બાદમાં નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કનો ઉપયોગ આ પ્રોજેક્ટમાં થશે. દિવાળી પહેલાં આ પ્રોજેક્ટ પાર પાડવાનું નક્કી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.

સૂત્રો કહે છે કે, દેશના દરેક રાજ્યમાં એક ડિજિ-ગામ પ્રોજેક્ટ પાઈલટ ધોરણે ફાળવાયો છે, જે પૈકી વડનગરની પસંદગી રાજ્ય સરકારે કરી છે. આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારના માથે કોઈ નાણાકીય જવાબદારી નથી. નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દ્વારા લિન્કેજ ઉપલબ્ધ થશે જ્યારે સોલાર વીજળીના ઉત્પાદન માટે સોલાર પેનલ્સ સહિતનું માળખું તેમજ 56 ઈંચનું એલઈડી ટીવી કેન્દ્ર સરકાર પૂરા પાડશે. વડા પ્રધાન મોદીના વતન વડનગરમાં રાજ્ય સરકારે નવી મેડિકલ કોલેજ-હોસ્પિટલ સ્થાપ્યાં છે, જેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં જ થનારું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો