બે મહિના પછી ફરી યૂપી-બિહારની ટ્રેનો ફૂલ, પરપ્રાંતિયો ફરી કરી રહ્યા છે ઘરવાપસી

સોમવાર, 27 જુલાઈ 2020 (23:31 IST)
અનલોક બાદ કામકાજ ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું હતું. સ્થિતિ સામાન્ય થવાની આશા હતી, પરંતુ જે પ્રકારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તેનાથી અપેક્ષા પર પાણી ફરી વળ્યું. સ્થિતિ એવી બની ગઇ છે કે બે મહિનામાં શ્રમિકોને ફરીથી ઘર વાપસી કરવાનો વારો આવ્યો છે. હવે દરરોજ 8 હજારથી વધુ શ્રમિકો ટ્રેનોના માધ્યમથી પોતાના ગામ પરત જઇ રહ્યા છે. ગત એક અઠવાડિયામાં 43 હજાર પ્રવાસી મજૂર શહેર છોડીને ઉત્તર ભારત જતા રહ્યા. ગત 10 દિવસમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં જોરદાર વધારો થયો છે. જે પ્રવાસી શ્રમિક લોક ડાઉનમાં ગામ પરત જઇ રહ્યા છે. તેમાંથી ઘણા અનલોક થતાં શહેરમાં પરત ફર્યા હતા. 
 
હવે કોરોનાએ રોજગાર ધંધાને મંદા કરી દીધા છે, એટલા માટે આ શ્રમિક પરત ગામ તરફ વળી રહ્યા છે. સુરતથી અત્યારે દોડી રહેલી કોવિડ સ્પેશિયલ ટ્રેનોમાં ગત એક અઠવાડિયા વતન પરત જનાર લોકોની સંખ્યા વધવા લાગી છે. તત્કાલ ટિકીટ મિનિટોમાં જ બુક થઇ રહી છે. આગામી 10 દિવસ સુધી ટ્રેનોનું લાંબુ વેટિંગ છે. દર વર્ષે સામાન્ય દિવસોમાં જુલાઇમાં સુરતથી વતન જનાર લોકોની આ પ્રકારે ભીડ હોતી નથી. 
 
આ મહિને હંમેશા ટિકીટ સરળતાથી મળી જાય છે. કોરોનાના કારણે 25 માર્ચથી થયેલા લોકડાઉન દરમિયાન શહેરથી સ્પેશિયલ ટ્રેનો દ્વારા 11 લાખથી વધુ લોકો વતન પરત ફર્યા હતા. ત્યારબાદ 1 જૂનથી અનલોક થયું તો મીલો, લૂમ્સ તથા માર્કેટમાં કામકાજ શરૂ થયું. આ દરમિયાન 1 જૂનથી 10 જુલાઇ સુધી 1 લાખ 30 હજાર મજૂર પરત ફર્યા, પરંતુ હવે ફરીથી ઘર વાપસી કરી રહ્યા છે. 
 
સુરથી દરરોજ પાંચ કોવિડ સ્પેશિયલ ટ્રેન ઉત્તર ભારત તરફ જાય છે. આ ટ્રેનો યૂપી-બિહારના વિભિન્ન જિલ્લાઓમાં રોકાઇને આગળ વધે છે. ગત એક અઠવાડિયાથી દરરોજ 8 હજાર લોકો ફક્ત યૂપી બિહાર જઇ રહ્યા છે. સૌથી વધુ પ્રયાગરાજ, ગોરખપુર, મુફ્ફજરપુર, જૌનપુર, આઝમગઢ માટે ટિકીટ લઇ રહ્યા છે. એટલું જ નહી વિંડો પર તત્કાલ બુકિંગ મિનિટોમાં જ થઇ રહ્યું છે. ગત એક અઠવાડિયાથી 43 હજાર લોકો સુરતથી યૂપી બિહાર પરત ફર્યા છે. 
 
પશ્વિમ રેલવે અધિકારીએ જણાવ્યું કે દરરોજ ઉત્તર ભારતની ટ્રેનો ફૂલ થઇને જાય છે. ઇદનો સમય આવી રહ્યો છે. જેથી લોકો જઇ રહ્યા છે. આ ઉપરાંત જે લોકો જઇ રહ્યા છે. તેમાં મોટાભાગના લોકો કામકાજથી પ્રભાવિત થવાના કારણે જઇ રહ્યા છે. કોરોનાનો પણ પ્રભાવ હોઇ શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર