અનોખુ અભિયાન: પિરિયડ્સમાં રહેલી સ્ત્રીઓએ રેસ્ટોરેન્ટમાં બનાવ્યું ભોજન, જાણીતા ક્રિકેટર સહિત રાજકારણીઓએ આરોગ્યું ભોજન

મંગળવાર, 8 માર્ચ 2022 (11:33 IST)
હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ ઉદ્યોગ તેમના ત્યાં રસોઈનું કામ કરતી મહિલાઓને માસિક ધર્મ વખતે પરાણે રજા લેવડાવે છે?
 
 
વંચિત વર્ગની મહિલાઓને રજસ્વલાના સમય દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવામાં સહાય કરતી અમદાવાદ સ્થિત યુનિપેડ્સએ મહિલાઓ દ્વારા માસિક ધર્મ દરમિયાન રસોઈ બનાવવા સાથે સંકળાયેલા સામાજિક નિષેધની સમસ્યાના સંબોધન માટે એક અભિયાન શરૂ કર્યું છે.  આ અભિયાનનું નામ ‘અડેલી’ રખાયું છે જે યથાર્થ છે કારણકે અડેલીનો ગુજરાતી અનુવાદ ‘સ્પર્શ કરેલું’ એવો થાય છે, અને આ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ રાજ્યના સુદૂર ક્ષેત્રોમાં માસિકધર્મમાં રહેલી મહિલાઓ માટે ઉપયોગમાં લેવાય છે. 
યુનિપેડ્સના સ્થાપક ગીતા સોલંકીના જણાવ્યાં અનુસાર માસિક ધર્મ સમયે મહિલાઓને રસોઈ કરતા રોકવાની પરંપરા ભેદભાવપૂર્ણ હોવાની સાથે સાથે જ તેની વ્યાપક નાણાકીય અસરો જોવા મળે છે. શાળાઓ, મંદિરના રસોડાં અને રેસ્ટોરાંમાં કામ કરતી મહિલાઓને આવા નિષેધને કારણે વેતનમાં નુકસાન સહન કરવું પડે છે અને ઘણાં કિસ્સામાં આ નુકસાન તેમની આવકના પાંચમા ભાગ જેટલું હોય છે. 
 
માસિક સ્રાવની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પરવડે તેવા ફરીથી વાપરી શકાય તેવા કાપડના નેપકિન્સનું ઉત્પાદન કરતા અને માસિક સ્રાવ સાથે સંકળાયેલા નિષેધોને દૂર કરવાનું કામ કરતા યુનિપેડ્સે અડેલી ચળવળ માટે ગાંધી આશ્રમના માનવ સાધના અને સાથ એનજીઓ સાથે સહયોગ કર્યો છે.
 
આ દિશામાં પ્રથમ પગલા તરીકે, યુનિપેડ્સે અડેલી નામ સાથે મર્યાદિત પોપ-અપ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી અને તેને ચલાવવા માટે માસિક સ્રાવના દિવસોમાંથી પસાર થતી મહિલા શેફ, સહાયકો અને સર્વર્સ સાથે સહયોગ કર્યો હતો. યુનિપેડ્સે સમાજમાં વગ ધરાવતાનાગરિકો, પરિવર્તનના પ્રણેતાઓ,કાર્યકરો અને અન્ય અગ્રણી મહાનુભાવોને અડેલીમાં જમવા અને પરિવર્તનનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું. યુનિપેડે હોટેલ્સ, રેસ્ટોરાં ચેઇન, શાળાઓ અને મંદિરોને પણ તેમના માસિકધર્મમાં રહેલી મહિલાઓને ટેકો આપવાની પ્રતિબદ્ધતા સાથે આંદોલનનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું.
 
અડેલી અભિયાનને ખૂબ જ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. સરોવર પોર્ટિકોએ તેની 97 હોટેલ પ્રોપર્ટીઝ સાથે આ પહેલને ટેકો આપ્યો છે, આ ઉપરાંત પ્રાઈડ હોટેલ્સે પણ તેની તમામ 26 હોટેલ પ્રોપર્ટીઝમાં આ અભિયાનને ટેકો આપ્યો છે. આ અભિયાનને સમર્થન મળી રહે તે માટે અન્ય હોટેલ ચેઇન, શાળાઓ, એફ એન્ડ બી કંપનીઓ અને વાણિજ્યિક રસોડાઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે.
 
ગીતા સોલંકીએ જણાવ્યું હતું કે અમને અત્યંત પ્રોત્સાહક સહયોગ મળી રહ્યો છે અને અમે કેટલાક સકારાત્મક પરિવર્તન જોઈ રહ્યા છીએ, પરંતુ હજી લાંબી મજલ કાપવાની બાકી છે. આપણે વધુ સમુદાયો, વ્યવસાયો, ધાર્મિક અને સામાજિક નેતાઓ સુધી પહોંચવાની જરૂર છે, અને સૌથી અગત્યનું, મહિલાઓને જ આ નિષેધ વિશે શિક્ષિત કરવાની જરૂર છે.
 
તેની વ્યાપક પહોંચના ભાગરૂપે, સોમવારે, યુનિપેડ્સે આ નિષેધના સમાધાન માટે નીની’સ કિચન સાથે મળીને એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી. કેટલીક મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન પહેલી વાર રસોઈ બનાવી હતી. ગીતા સોલંકીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાંઅમે નીતિ ઘડનારાઓ સાથે પણ જોડાવા માંગીએ છીએ જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓને રોજગારી અને વેતન મળી રહે.
 
રજસ્વલા સ્ત્રી ઓએ બનાવેલી વાનગીને જમવા અમદાવાદના 80 જેટલા નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શહેરના જે 80 લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમાં જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ, રાજકારણીઓ સહિત આગ્રગણ્ય નાગરિકો હાજર રહ્યા હતા અને ભોજન આરોગયુ હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર