રાજ્યમાં ૪૦ લાખ કરતાં ય વધુ બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે હવે બેરોજગારીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનુ નક્કી કર્યુ છે. ૨૫મી ઓગષ્ટથી કોંગ્રેસ બેરોજગારોને રોજગાર આપો અથવા ભથ્થુ આપો તેવી માંગ સાથે રાજ્યભરમાં આંદોલન શરુ કરી રહી છે. દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યુ હતું.ખોટા વચનો આપી ભાજપ સરકારે બેરોજગાર યુવાનો સાથે છેતરપિડીં કરી છે તેવો આરોપ મૂકતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ખુદ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ખુદ કહ્યુકે,દેશમાં યુવાનો માટે રોજગાર જ નથી. બેરોજગારો હવે ભાજપ સરકારના પોકળ વચનો સામે આંદોલન કરશે. ગુજરાત યુવક કોંગ્રેસ ૨૫ ઓગષ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી રોજગાર મારો અધિકાર આંદોલન કરશે.જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરાશે.આ ઉપરાંત બેરોજગારો માટે નોંધણીફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે.દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ આ કાર્યક્રમ યોજવા નક્કી કરાયુ છે. રાજ્યમાં ૧૦ લાખ શિક્ષિતોએ બેરોજગાર તરીકે નોંધણી કરાવી છે છતાંય નોકરી મળતી નથી.