ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ

બુધવાર, 4 જાન્યુઆરી 2023 (10:17 IST)
કુલપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક આજે વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સમિતિ ખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ એ. પટેલ અને દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. 
કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું. તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ જન્મથી ગાંધીવાદી હોતો નથી. ગાંધીજીના વિચારો અનુસાર જે વ્યક્તિ જીવનભર કામ કરે તે ગાંધીવાદી થઈ જાય છે. 
 
કુલપતિ આચાર્ય દેવવ્રત જીએ જે ટ્રસ્ટીઓએ વિદાય લીધી એ ટ્રસ્ટીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની પ્રગતિ અને ઉન્નતિમાં આપેલા યોગદાન માટે  આભારની લાગણી વ્યક્ત કરી હતી. કુલપતિપદ સંભાળ્યા પછી ગુજરાત વિદ્યાપીઠ મંડળની પહેલી બેઠકમાં સંબોધન કરતાં આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઈશ્વરે જે જવાબદારી આપી છે એને ઈમાનદારીથી નિભાવવાની છે. પૂજ્ય બાપુના આદર્શો માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
 
હું બાળપણથી પૂજ્ય ગાંધીબાપુની વિચારસરણી સાથે ઉછર્યો છું. સ્વામી દયાનંદ સરસ્વતીજીના સમાજ સુધારણા, સ્વદેશી, ભારતીયતા, જ્ઞાતિ-જાતિના ભેદભાવથી દૂર એવી વિચારસરણી સાથે પૂજ્ય બાપુને સમાંતર વિચારો સાથે કામ કરતો આવ્યો છું, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાંધી વિચારોને વધુ સશક્ત બનાવીશું અને ગુજરાત વિદ્યાપીઠની ગરિમા અને યશ-કીર્તિમાં અભિવૃદ્ધિ માટે મહત્તમ યોગદાન આપીશું.
 
આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાપીઠ મંડળની બેઠકમાં સંબોધન કરતા કહ્યું હતું કે, બાળકોમાં સમાજસેવા અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ બળવત્તર બને એવા પ્રયત્નો પર ભાર મુકીશું. તેમણે વિદ્યાપીઠના તમામ છાત્રો રમતગમતના મેદાનમાં સારો એવો સમય વિતાવે એ માટેના પ્રયત્નો કરવા પર પણ ભાર મૂક્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદાનમાં વધુ સારી સુવિધાઓ વિકસાવવા તેમણે અનુરોધ કર્યો હતો. 
 
સમગ્ર સંકુલ અને છાત્ર આવાસની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૌને અનુરોધ કર્યો હતો. આવનારા સમયમાં વિદ્યાપીઠ હસ્તકના સંકુલો અને ભવનોના મરામત અને રીનોવેશનના કાર્યને અગ્રતા આપવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું. પૂજ્ય ગાંધીબાપુની વિચારધારાને વ્યવહારિક રીતે અપનાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
 
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં સર્વાનુમતે નિયુક્તિ પામેલા ચાર ટ્રસ્ટીઓનો ટૂંક પરિચય
 
પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા :
પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયાએ ગુજરાત ખાદી બોર્ડના સભ્ય તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી છે. પાંચ વર્ષ સુધી તેમણે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, પશ્ચિમ ક્ષેત્રના સદસ્ય તરીકે સેવાઓ આપી છે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ, રાજઘાટના તેઓ ત્રણ વર્ષ સભ્ય રહ્યા. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિના સભ્ય રહ્યા છે. ગાંધી સ્મારક નિધિ રાજઘાટ કોલોની, નવી દિલ્હીના કાર્યકારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે સામાજિક સેવા, ખાદી અને ગ્રામ આંદોલન, હરિજન અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને માનવીય કાર્યોમાં હંમેશા યોગદાન આપ્યું છે. ગાંધીવાદી દર્શન અને ગાંધી જીવન શૈલીથી પ્રભાવિત એવા પદ્મશ્રી ગફૂરભાઈ ગાંધીવાદી દર્શન પ્રત્યે પ્રતિબધ્ધ છે.
 
પદ્મભૂષણ રાજશ્રી બિરલા :
પદ્મભૂષણ રાજશ્રી બિરલા પરોપકારી, શિક્ષણવિદ, પ્રદર્શન કલા અને સંસ્કૃતિના ચુસ્ત સંરક્ષક છે. ભારત તેમજ વિશ્વસ્તર પર મહાત્મા ગાંધીજીના સંદેશ ફેલાવવાની પ્રવૃત્તિ માટે સદા સક્રિય એવા સમર્પિત ગાંધીવાદી છે. વંચિતોના ઉત્કર્ષ માટે રાજશ્રી બિરલા વર્ષોથી સતત પ્રવૃત્ત છે. એટરનલ ગાંધી મલ્ટીમીડિયા સંગ્રહાલય, ગાંધી સ્મૃતિ, દિલ્હી, બર્મિંગમ, બ્રિટનમાં ગાંધી શાંતિ કેન્દ્ર, ભુવનેશ્વરમાં ગાંધી શાંતિ કેન્દ્ર અને ન્યૂજર્સી અમેરિકામાં ગાંધી શાંતિ કેન્દ્ર જેવા અદભુત કેન્દ્રોના નિર્માણમાં શ્રીમતી રાજશ્રી બિરલા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
 
ડૉ. હર્ષદ એ. પટેલ :
ડૉ. હર્ષદ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આઇઆઇટીથી તેમણે એમ. એ. કર્યું છે. એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશન અમદાવાદમાં એક શિક્ષક તરીકે એમણે ૨૨ વર્ષો સુધી અનેક શિક્ષકો તૈયાર કર્યા છે. ભારતીય અધ્યાપક શિક્ષા સંસ્થાન, ગાંધીનગરના કુલપતિ તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જૂન 2022 થી ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે.  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષા માટેની ગુજરાત ટાસ્ક ફોર્સના તેઓ સભ્ય પણ છે.
 
દિલીપ પી. ઠાકર :
દિલીપ ઠાકર માહિતી આયોગમાં માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. રાજ્ય સરકારમાં તેમણે કાયદા વિભાગમાં વિભિન્ન પદો પર મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રાજ્ય સરકારની સેવા દરમિયાન તેમણે અનેક  વિભાગોમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર