ગુજરાતમાં 6400 TRBને છુટા કરવાના નિર્ણયનો વિરોધ, જવાનોએ કલેક્ટર કચેરીએ દેખાવો યોજ્યા

ગુરુવાર, 23 નવેમ્બર 2023 (00:01 IST)
TRB jawans Protest
અમદાવાદ કલેક્ટર કચેરી બહાર TRB જવાનોનો દેખાવ જોવા મળ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી અંદાજે 09 હજાર ટ્રાફિક બ્રિગેડ જવાનોને છુટા કરવાના નિર્ણયને લઈ રોષ જોવા મળ્યો હતો. કારણ કે, આ જવાનોને છુટા કરવામાં આવતા રોજી રોટીની ચિંતા ઊભી થઈ છે. છુટા કરેલા કેટલાક જવાનોની તો ઉંમર પણ વીતી ગઈ છે ત્યારે તેઓને ચિંતા સતાવી રહી છે કે હવે કોણ નોકરી આપશે? તો બીજી તરફ TRB જવાનની તોડ-પાણીની પણ કેટલીક ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે હાલ તો આ TRB જવાનોને છુટા કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો અને તેઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી જણાવ્યું કે, જો સરકાર TRB જવાનને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે.

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી 09 હજાર ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે. જેનો પરિપત્ર 18 નવેમ્બરે જાહેર થઈ ચૂક્યો છે. જે મુજબ 10 વર્ષ કરતા વધુ સમય ફરજ બજાવી હોય તેવા TRBને 30 નવેમ્બર સુધી ફરજ મુક્ત કરવા, 05 વર્ષ સુધી ફરજ બજાવી હોય તેને 31 ડિસેમ્બર સુધી મુક્ત કરવા અને જેને 03 વર્ષ પૂર્ણ થયેલા હોય તેને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જો તાજેતરની વાત કરવામાં આવે તો ઓગણજ પાસે એરપોર્ટથી પરત ફરેલા પરિવાર અને વર્લ્ડ કપ ફાઈનલની મેચમાં એક વ્યક્તિ પાસેથી તોડ કરવાના કિસ્સામાં TRB જવાન સામેલ હતો. જે તેમના અધિકાર ક્ષેત્રમાં ન હોય તેમ છતાં તેવી કામગીરીને લઈ પણ TRB જવાનો પોલીસની નજરમાં હતા. ઉપરાંત TRB જવાનો લોકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાથી લોકોની ફરિયાદો પણ આવતી હતી.

જોકે TRB જવાનોના કેટલાક સારા કામને પણ નજર અંદાજ કરી શકાય નહીં. TRB જવાનોએ પોલીસના નિર્ણય સામે આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી સામે દેખાવો કર્યા હતા. જ્યાં તેમની સાથે યુવા નેતા યુવરાજસિંહ પણ સામેલ થયા હતા. તેઓએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે લઘુતમ વેતન 470 રૂપિયા હોવા છત્તા TRB જવાનને 300 રૂપિયાનું પ્રતિદિન વેતન જ મળતું હતું. મહિનાના 27 દિવસ લેખે તેમને 8400 રૂપિયા વેતન મળતું હતું. પરંતુ હવે ઘર ચલાવવાનો પ્રશ્ન છે. જો સરકાર TRB જવાનને ટ્રાફિક વિભાગમાં રાખવા ન માંગતી હોય તો અન્ય કોઈ વિભાગમાં સમાવેશ કરવામાં આવે. કારણ કે લોકો વર્ષોથી TRBમાં કામ કરે છે. ત્યારે હવે તેમને અન્ય જગ્યાએ કામ મળી શકશે નહીં. મોટાભાગના TRB જવાન ગ્રેજ્યુએટ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર