ગુજરાતમાં નબળું પડી ગયેલું ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને કેટલાક જિલ્લામાં ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ખાસ કરીને વરસાદ થયો છે. અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને દમણમાં સારો વરસાદ થયો છે. ડેટા દર્શાવે છે કે દાદરા નગર હવેલીમાં 21 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે દાહોદમાં 5 મીમી અને દમણમાં 57 મીમી વરસાદ પડી ગયો છે.
ડાંગ જિલ્લામાં પણ 7.6 મીમી વરસાદ નોંધાયો છે. નવસારીમાં લગભગ 10 મીમી જેટલો વરસાદ પડ્યો છે. વલસાડના ડેટા કહે છે કે આ જિલ્લામાં પણ એક દિવસમાં 20 મીમી કરતા વધુ વરસાદ થયો છે. આ સિવાય દીવમાં પણ સાધારણ વરસાદ નોંધાયો છે. બાકીના મોટા ભાગના જિલ્લામાં ખાસ વરસાદ નથી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે. પરંતુ કચ્છનો વિસ્તાર મોટા ભાગે સૂકો છે.
ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટ કહે છે કે ગુજરાત અને રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે. હાલમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશન છે જે બાંગ્લાદેશ, આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટક પર રચાયેલું છે. ગુજરાત વિશે સ્કાયમેટનું કહેવું છે કે પૂર્વ ગુજરાતમાં વરસાદના સંકેત બહુ ઓછા છે જ્યારે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ અમુક જગ્યાએ નોંધાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગના ડેટા પ્રમાણે અત્યારે એક મોન્સુન ટ્રોફ રચાયો છે જે ફરિદકોટ, લુધિયાણા, નજિબાબાદ, શાહજહાંપુર, બલિયા, જલપાઈગુડીથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલ છે. ઉત્તર પૂર્વ અરબ સાગર પર ગુજરાતની નજીક એક અપર ઍર સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ આવેલું છે. આ સિસ્ટમ આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાને સક્રિય કરે અને ખેતી માટે હાલમાં ખૂબ જરૂરી છે તેવો વરસાદ લાવે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ક્યા પડશે વરસાદ ?
હવામાન વિભાગ અનુસાર 11 ઑગસ્ટે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અમુક સ્થળે વરસાદ પડવાની સંભાવના છે જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
આ પૈકી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી આ તમામ જિલ્લામાં યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહિસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યાર પછીના દિવસોમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. પરંતુ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.