ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કારો અને આદર્શો અંગે આજના યુવાનોના શું મંતવ્યો છે તે મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણનાં માર્ગદર્શનમાં ડો.હસમુખ ચાવડા દ્વારા તરૂણો અને યુવાનોનાં વ્યક્તિગત મૂલ્યો પર સરવે કરવામાં આવ્યો હતો. 720 યુવાનો અને તરૂણો પર થયેલા સરવેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમાં 54%ને ભગવાનની અને 25%ને કાયદાકીય સજાનો ભય લાગે છે. જ્યારે 50%એ હેલ્થને પ્રાયોરિટી આપી તો 35%ને આરામવાળું કામ કરવું છે. આજની ભાગદોડભરી જિંદગીમાં ટીનેજર્સ ક્યાંકને ક્યાંક ભગવાનની સજાનો ડર રાખતા હોવાનું સરવે પરથી સ્પષ્ટ થાય છે.
કુદરત રૂઠે તો શું કરી શકે તે આપણે કોરોનાકાળમાં જોયું જ હતું. તેમાંય ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં લોકોના ટપોટપ થતા મૃત્યુને લઈ સૌ કોઈને ભગવાનમાં અપાર શ્રદ્ધા જાગી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખાસ કરીને ટીનેજર્સ કુદરત અને સંસ્કૃતિને વિસરી રહ્યા હોય તેવું આ સરવેના તારણ પરથી સામે આવ્યું નથી. કોઈને કુદરતી આફતોનો તો કોઈને ખોટું કર્યાનો ડર સતાવી રહ્યો છે. આથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આજે પણ ટીનેજર્સમાં જોવા મળી રહી છે.