ગુજરાતમાં 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી

શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (16:58 IST)
ગુજરાતમાં હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સુરતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો, જેવા કે કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે.શિયાળાની ઋતુમાં હળવા વરસાદની આગાહીનું કારણ જણાવતાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં આવતા ઉપરી સ્તરના પવનો અરબી સમુદ્રમાં થઈને પસાર થાય છે. એને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા હળવો વરસાદ થવાની શક્યતા છે.

આગામી 24 કલાક દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા પવનો ભેજયુક્ત હોય, જેને કારણે તાપમાન ઘટી શકે છે. વરસાદની શક્યતા વચ્ચે હળવા વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની કોઈ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. તદુપરાંત અમદાવાદનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે તથા ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મોહંતી મનોરમાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 3-4 દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં વધુ ફરક નહીં હોય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર