આગામી બે ગુજરાતમાં મનમૂકીને વરસશે મેઘો, હવામાન વિભાગે કરી આગાહી

શનિવાર, 18 જૂન 2022 (21:03 IST)
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પણ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતાવણી આપી છે. તો અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે.
 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. શુક્રવારે સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં જ્યારે શનિવારે જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય શુક્રવારથી રવિવાર દરમિયાન અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.’
 
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટોર્મ એક્ટીવના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે સ્થિતિઓ અનુકુળ બનતી રહેશે.
 
દક્ષિણ ગુજરાતના તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર