શું ગુજરાતમાં વરસાદ દિવાળી બગાડશે ? હજુ સાત દિવસ સુધી વરસાદની આગાહી

શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (09:35 IST)
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદનું જોર છે. જે બાદ ગુજરાત રીજન પર વરસાદનું જોર વધશે.
 
સૌરાષ્ટ્ર પર જે સિસ્ટમ હતી તે આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ ડિપ્રેશન બની ગઈ છે.
 
હવામાન વિભાગે જારી કરેલા ટ્રૅક પ્રમાણે આ સિસ્ટમ હજી બે ત્રણ દિવસ સુધી ગુજરાત નજીક દરિયામાં જ રહેવાની સંભાવના છે.
 
જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને બીજા વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.
 
અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમની વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં આ સિસ્ટમની વધારે અસર થવાની શક્યતા ઓછી છે.
 
ખાસ કરીને અમરેલી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
 
સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને મોરબી જિલ્લાના વિસ્તારો તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળો દેખાશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે.
 
આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
 
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી અને બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર આવી. જેના લીધે ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
 
ગુજરાતમાં 1 ઑક્ટોબરના રોજ સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં થયો હતો. જ્યાં 2.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે બાદ અમરેલીના રાજુલામાં 1.26 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 1.06 ઇંચ અને ગીર-સોમનાથના કોડીનારમાં 1.06 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
 
1 ઑક્ટોબરના રોજ રાજ્યના કુલ 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો પરંતુ ઉપરોક્ત સિવાય તમામ તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ થશે?
 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવો તથા કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને એકાદ બે જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
 
હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજી બે દિવસ સુધી વરસાદનું જોર રહેશે જે બાદ વરસાદનું જોર ઘટી જશે. પરંતુ ફરીથી 6 ઑક્ટોબરની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
 
બંગાળની ખાડીની સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરવાની શરૂઆત કરશે. આ સાથે જ રાજસ્થાન પર એક નવી સિસ્ટમ બની છે અને અરબી સમુદ્રમાંથી પવનો આ સિસ્ટમોમાં ભળશે.
 
ઉપરોક્ત સ્થિતિને લીધે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ફરીથી વરસાદી માહોલ છવાય તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં ચોમાસાની વિદાય હવે ક્યારે થશે?
આ વર્ષે ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત વહેલી થઈ હતી અને સાથે ગુજરાતમાં પણ સમય કરતાં ચોમાસાએ વહેલી વિદાય લેવાનું શરૂ કર્યું હતું.
 
રાજસ્થાનમાંથી આ વર્ષે ચોમાસાની વિદાય 14 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી. જે બાદ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી.
 
હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી હજી ચોમાસાની વિદાય બાકી છે.
 
જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જે ગુજરાત પર આવી તેના લીધે ફરીથી વરસાદની શરૂઆત થઈ. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને દેશમાંથી ચોમાસાની વિદાય થંભી ગઈ છે.
 
ગુજરાતમાં 8 ઑક્ટોબરની આસપાસ વરસાદી ગતિવિધિઓ ધીમી પડવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં ચોમાસાની વિદાયની ફરી શરૂઆત થાય તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર