મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો કર્યારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમ એસ એમ ઇ ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી, આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે.
તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે. પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ, સાહસિકતા અને આપત્તિને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.
હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ ને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે.
મુખ્યમંત્રીએ ગુજરાતે કોરોનાના સમયમાં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે. તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે. તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમયમાં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.