ભાયલીના એ ત્રણ બાળ કિશોરો ઉત્સુકતા થી શુક્રવારની રાહ જોઈ રહ્યા છે એનું કારણ જાણો છો?

શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (09:47 IST)
વડોદરા નજીક આવેલા ભાયલીના  નિવાસી હર્ષિલ, મનન અને નંદનીએ કોઈ ખૂબ અગત્યની પરીક્ષા આપી હોય અને એનું પરિણામ શુક્રવારે જાહેર થવાનું હોય,એમને ખૂબ ગમતા કોઈ મહેમાન આવવાના હોય એવું કશું જ નથી. છતાંય, આ બાળ કિશોરો શુક્રવાર તા.૨૦ જાન્યુઆરીની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યાં છે.એમની શુક્રવારના આગમન માટેની આ તીવ્ર ઉત્સુકતાનું કારણ એ દિવસે વડોદરાના વન્ય પ્રાણી વિભાગે રામસર સાઈટ અને પક્ષી તીર્થ વઢવાણા ખાતે યોજેલી મોસમી પક્ષી ગણતરી છે. અને આ પક્ષી ગણતરી માટેની નિષ્ણાતો અને અનુભવી વન કર્મચારીઓની ટીમમાં આ બાળ કિશોરોનો અધિકૃત સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
 
તેઓ લગભગ છેલ્લા ચાર વર્ષથી અત્યાર સુધી ભાયલીના નાનકડા ગામ તળાવ ખાતે આવતા દેશી અને યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરીને ૧૦૦ થી વધુ જાતોના પક્ષીઓને ઓળખતા થયાં છે.અને પક્ષીઓ સાથેની તેમની આ ઊંડી મૈત્રીને પગલે તેમનો પીઢ પક્ષી ગણતરીકારોમાં સાવ કુમળી વયે સમાવેશ થયો છે.તેઓ આ સન્માનજનક જવાબદારીથી પોરસ અનુભવી રહ્યાં છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પક્ષી તીર્થો ખાતે શિયાળુ યાયાવર પક્ષીઓના આગમન ને પગલે દર વર્ષે એક થી વધુવાર મોસમી પક્ષી ગણના નિયમિત હાથ ધરવામાં આવે છે.તેમાં ગણતરીકાર તરીકે બાળ કિશોરો ને જોડવાનો આ પ્રથમ પ્રસંગ છે અને બાળ ગણતરીકાર બનવાનું ગૌરવ વડોદરાના પક્ષિમિત્ર બાળકોને મળ્યું છે.
 
યાદ રહે કે સયાજીરાવ મહારાજે ખેતી અને પ્રકૃતિના જતન માટે સદી પહેલાં બનાવેલું આ વિશાળ જળાશય,તેની નજીક સર્જાતી ઓછા પાણીવાળી કાદવિયા કળન ભૂમિ - વેટ લેન્ડને લીધે યાયાવર પક્ષીઓ માટે પ્રિય શિયાળુ વિસામો બન્યું છે. અહીં દર વર્ષે શિયાળામાં હજારો કિલોમીટર ઉડીને જાત જાત અને ભાત ભાતના હજારો પક્ષીઓ,એમના પ્રદેશની કાતિલ શીતળતા છોડીને ભારતનો હૂંફાળો શિયાળો માણવા આવે છે.તેઓ અહીં પ્રજનન કરે છે એટલે આ જગ્યા એમના માટે આદર્શ પ્રસુતિગૃહ પણ બની છે. આ છીછરા જળ વાળી જગ્યાને રાજ્યની એકમાત્ર માનવ નિર્મિત રામસર સાઈટ ની ગૌરવભરી ઓળખ મળી છે અને વડોદરા જિલ્લો અને ગુજરાત માટે પર્યાવરણ પ્રવાસન  નું ધામ આ જળાશય બન્યું છે.તેની જાળવણી અને સંવર્ધન  વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા થઈ રહી છે. 
 
આ પક્ષી ગણતરી દેશના મહાન પક્ષીવિદ સલીમઅલી સાહેબ દ્વારા સ્થાપિત અને આ ક્ષેત્રની અધિકૃત ગણાતી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ ઠરાવેલી વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ હેઠળ અને તેમના પ્રતિનિધિઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.એટલે આ ગણતરી ટીમમાં સ્થાન મેળવીને પક્ષીમિત્ર બાળકોએ વડોદરાને ગૌરવ અપાવ્યું છે. આ પૈકીની નંદની, તમે એક પછી એક પક્ષી ચિત્રો બતાવો અને કડકડાટ એનું નામ કહી દે છે.આ ત્રણ અને અન્ય આઠેક જેટલા અઠંગ પક્ષી મિત્રોનું ઘડતર પત્રકારિતા પ્રાધ્યાપક અને પ્રકૃતિ મિત્ર હિતાર્થ પંડ્યા એ કર્યું છે.
 
આ બાળકોના માતાપિતા પક્ષી વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ ધરાવતા હોય કે ઉચ્ચ શિક્ષિત હોય એવું કશું જ નથી.પરંતુ હિતાર્થભાઈ એ પહેલા તો આ બાળકોને તળાવની સ્વચ્છતામાં જોડ્યા અને પછી તેમનામાં પક્ષી નિરીક્ષણના કુતૂહલનું સિંચન કર્યું.તેના કારણે આજે તેઓ નિપુણ પક્ષી ભોમિયા - બર્ડ વોચર અને ગાઈડ બનીને રાજ્યના બાળકો માટે પ્રેરક બન્યા છે.
 
વન્ય જીવ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિરાજ રાઠોડ જણાવે છે કે અગાઉ પક્ષી ગણતરીમાં રસ ધરાવતા બાળકો ઉપસ્થિત રહે એવું બન્યું છે.પરંતુ આ બાળકો પાસે પક્ષીઓની અદભુત ગણાય તેવી ઓળખ અને જાણકારી છે.તેમના ઊંડા રસ અને પક્ષી નિરીક્ષણના અનુભવને ધ્યાનમાં લઈને અમે તેમને ગણતરી ટીમના અધિકૃત સદસ્ય બનાવ્યા છે.તેઓ પક્ષીઓની શોધ,નિરીક્ષણ અને ઓળખ કરશે તથા પત્રકમાં તેની નોંધ કરશે. અમે આ બાળ પક્ષી મિત્રોને ઉત્સાહ સાથે આવકારીએ છે.
 
નંદની,મનન અને હર્ષિલ પક્ષી ગણતરીના આ નવા અનુભવ માટે ખૂબ ઉત્સુક અને રોમાંચિત છે.તેઓ કહે છે કે ચારેક વર્ષ પહેલાં હિતાર્થ સરે અમને તળાવની સફાઈમાં જોડ્યા પછી નરી આંખે અને બાઈનોક્યુલરની મદદ થી પક્ષીઓ જોતાં અને ઓળખતા શીખવ્યું.શરૂઆતમાં અમને કંટાળો આવતો ત્યારે એમણે પક્ષીઓ ની જાણકારી આપતાં રસપ્રદ પુસ્તકો વાંચવા આપ્યાં.આજે ક્યાંક કોઈ પક્ષી નજરે પડે કે તરત જ અમારી આંખ ચકળ વકળ અને જ્ઞાન તંતુઓ સતેજ થઈ જાય એવી અમારી સ્થિતિ છે.
 
હિતાર્થ પંડ્યા કહે છે કે વડોદરા જિલ્લામાં વઢવાણા ઉપરાંત ઘણાં ગામોમાં નાનકડા વેટ લેન્ડ્સ છે અને આ સ્થાનિક પક્ષી તીર્થોની જાળવણી બાળ પેઢીને પક્ષી જ્ઞાની બનાવીને થઈ શકે.આ બાળકો એ કેળવેલી પક્ષી ઓળખ અને જાણકારી સાચે જ બાળ પેઢી માટે પ્રેરક છે. પ્રકૃતિ અને પર્યાવરણ આજે સુરક્ષા ઝંખે છે.ત્યારે પ્રકૃતિ પ્રેમનું શિક્ષણ અને સંસ્કારો પચાવ્યા હોય એવા બાળકો જ આગળ વધીને આ કપરી જવાબદારી અદા કરશે.ભાયલી ના બાળ પક્ષી મિત્રો આ આશા જગવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર