આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને કૃષિ વિભાગે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા

બુધવાર, 1 ડિસેમ્બર 2021 (10:50 IST)
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 30 નવેમ્બરથી આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી છે. જેને અનુલક્ષીને ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. 
 
- હાલમાં જીલ્લામાં ચણા, ઘઉ, તથા રાઇ કે અન્ય મરીમસાલા પાકોમાં નવીન વાવેતર થયેલ હોય તેવા પાકોમાં વરસાદી પાણી ભરાઇ ન રહે તે હેતુસર  કયારા તોડી સત્વરે પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવી જેથી પાણી ભરાવાના કારણસર પાક નિષ્ફળ જવાની શકયતાને નિવારી શકાય.
- બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસની વીણી તાત્કાલિક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો. 
- ખેડુતોએ શાકભાજી કે પોતાનો ઉત્પાદીત થયેલો પાક સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. ઘાસચારો વગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી જેથી વરસાદથી થનાર સંભવિત નુકશાનથી પાકને બચાવી શકાય. 
- કમોસમી વરસાદના સંજોગો જણાય તો શાકભાજી વગેરે ઊભા પાકોમાં પિયત ટાળવું તથા યુરીયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું જોઈએ. ઉભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવો નહી. 
- ખેતરમાં ખુલ્લા રહેલા પુળા કે ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. 
- બાગાયતી ફળ પાકો અને શાકભાજી કમોસમી વરસાદ પહેલા ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા. કમોસમી વરસાદ થાય તેવા સંજોગોમા ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો.
- એ.પી.એમ.સી માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રી ઢાંકીને જ લઇ જવી. 
- પશુઓ માટેના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહીં તે સુનિશ્ચિત કરવું. બિયારણ અને ખાતર જેવા ખેતી ઇનપુટનો જથ્થો સુરક્ષિત રાખવો. 
- ખેતરની કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર