ગુજરાતમાં મંદિરોના દ્વાર ખૂલ્યાં પરંતુ મોલમાં લોકોની પાંખી હાજરી જોવા મળી
સોમવાર, 8 જૂન 2020 (14:25 IST)
રાજ્યમાં 2 મહિના અને 20 દિવસ બાદ મંદિરોના કમાડ આજથી ખુલ્યા છે. પ્રભુના દર્શન કરીને લૉકડાઉનમાં ત્રાહિમામ થયેલા ભક્તોે આજે ધન્યતા અનુભવી છે. રાજ્યના મોટાભાગના મંદિરો આજથી ખુલ્યા છે તો અનેક મંદિરો હજી 1 અઠવાડિયા બાદ ખુલશે. રાજ્યમાં સોમનાથ, દ્વારકા, શામળાજી સહિતના મોટા મંદિરો ખુલી ગયા છે. તો શક્તિપીઠ અંબાજી, સાળંગપુર હનુમાન, વીરપુર જલારામ બાપાના સ્થાનો ખુલ્યા નથી. જોકે, આજે મંદિર ખુલતા જ જાણે મેઘરાજા સોમનાથ દાદા પર અભિષેક કરતા હોય એવા દૃશ્યો સર્જાયા હતા. સોમનાથમાં અમી છાંટણા વચ્ચે આજથી જય સોમનાથ, હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ દર્શન કર્યા હતા.જગત મંદિર દ્વારકામાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ભક્તોએ દર્શન કર્યા હતા. મોઢે માસ્ક, સેનિટાઇઝેશન સાથે ભક્તોએ દ્રારકાધીશના દર્શન કર્યા હતા.સોમનાથ મંદિરના પરિસરમાં આ સેનિટાઇઝેશન કેબિનો ઉભી કરાઈ છે. જેવી રીતે પહેલાં સિક્યોરિટી ચેક થતું હતું એમ હવે ભક્તોને પહેલાં સેનિટાઇઝ કરવામાં આવશે ત્યારબાદ સુરક્ષા તપાસ કરીને તેમને પ્રવેશ આપવામાં આવશે.મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 2 ગજની દૂરની ચક્કર રાખીને ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રવેશના નિયમોના અંતર સાથે જ ભક્તોએ દર્શન કરવા એન્ટ્રી લેવાની રહેશે.જગત મંદિર દ્વારકામાં જય દ્વારકાધીશ, રાજાધિરાજના દર્શન દ્વારકાવાસીઓ ઉમટી પડ્યા હતા. ભક્તોને મોઢે માસ્ક બાંધવુ હવે ફરજિયાત છે ત્યારે આવી રીતે તમે પણ દર્શને જઈ શકશો.ઉત્તર ગુજરાતમાં શામળાજીનું મંદિર પણ આજથી ખૂલી ગયું હતું. આ મંદિર ખુલતાની સાથે જ આજે ત્યાં દર્શન કરવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા. મંદિરમાં સેનિટાઇઝરના મશીન મૂકવામાં આવ્યા છે અને પ્રવેશ દ્વારા પર ભક્તોના નામ નોંધવામાં આવી રહ્યા છે.શામળાજી મંદિરના પ્રવેશ દ્વારા પર આ પ્રકારનું સેનિટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાંથી સેનિટાઇઝર લઈને ભક્તોએ હાથ સ્વચ્છ કરતા રહેવા પડશે.