ટુ વ્હીલર લઇને બહાર નિકળતા પહેલાં આ વસ્તુ સાથે રાખજો, નહીતર 'ચાંદલો' થશે

રવિવાર, 6 માર્ચ 2022 (12:41 IST)
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસમાં ઘટાડો થયો છે. હવે જનજીવન ફરી એકવાર થાળે પડી ગયું છે. રોજગાર ધંધા અને ઓફિસો શરૂ થઇ ગઇ છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિક પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઇ છે. આજથી રાજ્યમાં ટ્રાફિક પોલીસે રાજ્યવ્યાપી ડ્રાઇવ શરૂ કરી દીધી. હેલ્મેટ, સીટ બેલ્ટ ન પહેરનારા સામે રવિવારથી પોલીસ કડક પગલા લેવામાં આવશે.
 
પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો છે. અમદાવાદ, વડોદરા વેસ્ટર્ન રેલવે પોલીસ અધીક્ષકને પણ આ આદેશની નકલ રવાના કરવામાં આવી છે.
 
આદેશ માટેના પત્રમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અને સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયાનું સામે આવ્યું છે.
 
અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. આ કારણે આગામી તા. ૦૬ માર્ચ, ૨૦૨૨થી તા. ૧૫ માર્ચ, ૨૦૨૨ દરમિયાન હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે ડ્રાઈવ યોજવા તથા આ ડ્રાઈવ દરમિયાન આ નિયમોના ભંગને લગતા શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. ટ્રાફિક ડ્રાઈવના પગલે રવિવારથી ટ્રાફિક પોલીસ રાજ્ય વ્યાપી ડ્રાઈવ કરશે. હેલ્મેટ, સીટ બેલ્ટ ન પહેરનારા સામે રવિવારથી પોલીસ કડક પગલા લેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર