સ્વાઇન ફ્લૂથી 40 દિવસમાં 50થી વધુનાં મોત, 70 પોઝિટિવ

સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (16:08 IST)
ઠંડીના પ્રમાણની સાથોસાથ રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. માત્ર ૪૧ દિવસમાં સ્વાઇન ફ્લૂના ખપ્પરમાં ૫૫ જિંદગી હોમાઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૭૮ દર્દીઓને આ વાયરસે ઝપટમાં લીધા છે. અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ ૨૯ કેસ નોંધાયા છે. ઠંડીનો ગાળો H1N1 વાયરસને વિકસવા માટે અનુકુળ હોય છે. આવી સિઝનમાં વાયરસ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ હોય છે. સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખી કેન્દ્રમાંથી એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ ગુજરાત દોડી આવી છે. પ્રથમ દિવસે આ ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બીજા દિવસે વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગુજરાત આરોગ્ય વિભાગના આંકડાં મુજબ સ્વાઇન ફ્લૂથી ચાલુ વર્ષે અત્યાર સુધી ૫૫ દર્દીના મોત નિપજ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ લોકોને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. સરકારી આંકડાં મુજબ પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૩૪૦ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો જે પૈકીના ૫૧૭ વ્યક્તિ હજુ જુદીજુદી સરકારી-ખાનગી હોસ્પિટલમાં છે. ગુજરાત આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દિનકર રાવલે જણાવ્યું છે કે દિલ્હીથી ડૉક્ટરોની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. ત્રણ ડૉક્ટરોની ટીમ ત્રણ-ચાર દિવસ ગુજરાતની જુદાજુદા સરકારી-ખાનગી હોસ્પિટલ, સરકારી-ખાનગી લેબોરેટરી, જિલ્લા-તાલુકાના પીએચસી અને સીએચસી સેન્ટરની મુલાકાત લીધા બાદ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ ટીમમાં એક ફિઝિશિયન, એક માઈક્રોબાયોલોજિસ્ટ અને એક એપિડેમિશિયન છે. સ્વાઇન ફ્લૂથી અમદાવાદ શહેર સૌથી પ્રભાવિત છે ત્યારે પ્રથમ દિવસે કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર