ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ કેર વર્તાવ્યો, એક જ દિવસમાં 13નાં મોત

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (15:57 IST)
ચોમાસાના ભેજયુક્ત વાતાવરણમાં સ્વાઇન ફ્લૂએ માથુ ઉંચક્યુ છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ એટલી હદે વકર્યો છેકે, રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના ૧૩ દર્દીઓએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ આખરી શ્વાસ લીધા હતા. સિઝનમાં સ્વાઇન ફ્લૂને લીધે એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ મોતને ભેટયા હોય તેવી પ્રથમ ઘટના બની છે પરિણામે રાજ્ય આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અમદાવાદમાં રવિવાર સ્વાઇન ફ્લૂને લીધે ચાર દર્દીઓના મોત નિપજ્યા હતાં. ખાડિયાના એક ૫૭ વર્ષિય પુરૃષને તાવ,શરદી,ખાંસીની ફરિયાદ સાથે દાખલ કરાયાં હતાં તેમનુ રવિવારે તબીયત લથડતાં વીએસ હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. વેજલપુરના એક ૪૫ વર્ષિય પુરૃષનું પણ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. નરોડાની એક ૫૦ વર્ષિય મહિલાનુ પણ સ્વાઇન ફ્લૂને લીધે મોત થયું હતું. સરખેજમાં એક ૧૨ વર્ષિય બાળકને સ્વાઇન ફ્લૂ પોઝીટીવના લક્ષણો સાથે વીએસમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનુ રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આમ, એક દિવસમાં અમદાવાદમાં ચાર દર્દીઓના મોત થતા મ્યુનિ.આરોગ્યતંત્ર દોડતુ થયું હતું. આ ઉપરાંત આખાય શહેરમાં વધુ ૪૧ સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસો નોંધાયા હતાં જેથી અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસોનો આંક છેક ૪૫૧ સુધી પહોચ્યો છે જયારે મૃત્યુઆંક ૪૩ થયો છે. અમદાવાદ સિવિલમાં ૬૧ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યાં છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ,કચ્છ સહિત અન્ય ૧૨ જિલ્લાઓ સુધી સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધી રહ્યાં છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના ૩,આણંદમાં ૧,ભાવનગરમાં ૧,મોરબીમાં ૧,નર્મદામાં ૧નું મોત થયુ હતુ.રાજકોટ જિલ્લા-ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂના બે દર્દીઓના મોત નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છેકે, સ્વાઇન ફ્લૂના વાયરસની પેટર્નમાં આંશિક ફેરફાર થવાને લીધે ચોમાસામાં કેસો વધ્યાં છે. ખાસ કરીને નાના બાળકો,ગર્ભવતી મહિલા અને વૃધ્ધો સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હૃદટય,કેન્સર,ડાયાબિટીસ અને કિડનીના દર્દીઓ માટે વધુ જોખમ રહેલુ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ દર્દીઓની સંખ્યા ૧૬૦૯ સુધી પહોંચી છે. રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે, ૬૨૭ દર્દીઓ સારવાર લઇ સ્વસ્થ થઇને ઘેર પહોચ્યા છે. હજુય ૭૯૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુ આંક ૧૯૦ સુધી પહોંચ્યો છે. હવે જયારે સ્વાઇન ફ્લૂએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘેર ઘેર જઇને સર્વેલન્સ ટીમો મોકલવા રાજ્ય આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે. હકીકતમાં કચ્છ-રાજકોટ,અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થયો ત્યારે મ્યુનિ.આરોગ્ય તંત્ર,રાજ્ય એપેડેમિ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ હતું. હવે જયારે સ્વાઇન ફ્લૂએ ફેણ માંડી છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે દોડધામ મચાવી છે. સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસોને લીધે લોકોમાં ગભરાટનો માહોલ પ્રવર્તી રહ્યો છે. જયારે ખાંસી-શરદી,તાવ હોય તો પણ સ્વાઇન ફલૂ થયો છે તેવો લોકોને ગભરાટ થઇ રહ્યો છે. અમદાવાદમાં નર્સિંગ સ્ટુડન્ટસ ઘેર ઘેર ફરીને સર્વેલન્સ કરશે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસો ચિંતાજનકહદે વધી રહ્યાં છે. તે જોતાં સરકારે આદેશ આપતાં અમદાવાદ સિવિલની નર્સિંગ સ્ટુડન્ટસને સોમવારથી અમદાવાદમાં ઘેર ઘેર ફરીને કોઇને પણ તાવ,શરદી હોય તો તાકીદે દવા આપીને સારવાર આપવા નક્કી કર્યું છે. શહેરમાં કયા કયા વિસ્તારોમાં વાયરલ ઇન્ફેકશનના કેસો વધુ છે તેની પણ જાણકારી એકત્ર કરાશે. સ્વાઇન ફ્લૂના વધતા કેસોને લીધે હવે ફિવર ડિટેક્શન કરવા સરકારે પ્લાન ઘડયો છે. અમદાવાદ સિવિલમાં વેન્ટીલેટરની સંખ્યા પણ વધારાઇ છે. અત્યારે અમદાવાદ સિવિલમાં સાત દર્દીઓ વેન્ટિલેટર પર છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર