આ દરમિયાન બસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની આ ઘટનાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા પ્રયાસો કર્યો છે. હાલ સમગ્ર પરિસ્થિતી કાબુમાં છે. નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરની પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. ઘર્ષણ અંગેની જાણ થતાં જ પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર કાબૂ મેળવીને કોઈ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસનો ભારે કાફલો હાલ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે. રેલીને અટકાવાતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોએ બે સિટીબસના કાચ તોડ્યાં હાતં. મામલો તંગ થતાં પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત પણ કરવામાં આવી છે. વર્સેટાઈલ માઈનોરિટી ફોરમ-સુરતના નેજા હેઠળ( મુસ્લિમ સમાજ) દ્વારા મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતાં. આ લોકોની માંગ હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને તેવા કાયદા બનાવવામાં આવે.